નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ. જયશંકર ભારત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં ભાગ લેશે. લગભગ 9 વર્ષ પછી કોઈ ભારતીય વિદેશ મંત્રી પાકિસ્તાનની મુલાકાત લેશે. એસ જયશંકર વિદેશ મંત્રી તરીકે પ્રથમ વખત ઈસ્લામાબાદ જવાના છે. ભારતે પડોશી દેશ પાકિસ્તાનમાં યોજાનારી SCOની બેઠકમાં ભાગ લેવો જોઈએ કે નહીં તે અંગે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી. આખરે ભારતે તેમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો છે. આ વાતની પુષ્ટિ કરતા વિદેશ મંત્રાલયે શુક્રવારે કહ્યું કે SCOની બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ વિદેશ મંત્રી એસ જયશંકર કરશે.
SCOની બેઠક 15 થી 16 ઓક્ટોબર દરમિયાન પાકિસ્તાનમાં યોજાવાની છે. બે દિવસ સુધી ચાલનારી આ બેઠકમાં ચીન અને રશિયા જેવા દેશો પણ ભાગ લેશે. આ વાતની પુષ્ટિ કરતા વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાનમાં વિદેશ મંત્રી એસ જયશંકરના બાકીના કાર્યક્રમની માહિતી પછી આપવામાં આવશે. SCOમાં ભારત સિવાય ચીન, રશિયા, પાકિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન જેવા દેશો સામેલ છે.
સ્વ.સુષ્મા સ્વરાજ બાદ વિદેશ મંત્રીની પ્રથમ પાકિસ્તાન મુલાકાત
એસ જયશંકર પહેલા સ્વ.સુષ્મા સ્વરાજ વિદેશ મંત્રી તરીકે પાકિસ્તાનની મુલાકાતે ગયા હતા. તે 'હાર્ટ ઓફ એશિયા કોન્ફરન્સ'માં ભાગ લેવા ઈસ્લામાબાદ પહોંચ્યા હતા. આ કોન્ફરન્સમાં કુલ 14 દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. અફઘાનિસ્તાનની સુરક્ષાને લઈને આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચે બેંગકોકમાં શાંતિ મંત્રણા થઈ હતી અને તેના થોડા દિવસો બાદ જ સુષ્મા સ્વરાજે પાકિસ્તાનની ધરતી પર પગ મૂક્યો હતો. સ્વ.સુષ્મા સ્વરાજ બાદ હવે એસ જયશંકર 9 વર્ષ બાદ પાકિસ્તાનની મુલાકાત લેનારા ભારતના પ્રથમ વિદેશ મંત્રી હશે.
જ્યારે બિલાવલ ભુટ્ટો ભારત પહોંચ્યાં હતા
ગયા વર્ષે ગોવામાં એસસીઓની બેઠક યોજાઈ હતી. જેમાં પાકિસ્તાને પણ ભાગ લીધો હતો. પડોશી દેશના તત્કાલિન વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો બેઠકમાં ભાગ લેવા ગોવા પહોંચ્યા હતા. જોકે, આ સમયગાળા દરમિયાન બંને દેશો વચ્ચે કોઈ દ્વિપક્ષીય બેઠક થઈ નથી.લગભગ 12 વર્ષ બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રી ભારત આવ્યાં હતા. આ પહેલા હિના રબ્બાની ખારે મનમોહન સિંહ સરકાર દરમિયાન 2011માં ભારતની મુલાકાત લીધી હતી.
ભારત 2017માં સંપૂર્ણ સભ્ય બન્યું
SCO એ સમગ્ર વિશ્વમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. તેના મોટાભાગના સભ્યો કુદરતી સંસાધનોથી સમૃદ્ધ છે. ભારત વર્ષ 2017માં SCOનું પૂર્ણ સભ્ય બન્યું હતું. તેનું સંપૂર્ણ સભ્યપદ અસ્તાના સમિટ દરમિયાન પ્રાપ્ત થયું હતું. આ પછી ભારતે વર્ષ 2023 માં SCO સમિટની અધ્યક્ષતા કરી હતી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526