અમદાવાદ- ગોધરા હાઇવે પરથી રૂ. 86 લાખના તરતા સોના સાથે બે શખ્સો ઝડપાયા

07:36 PM May 18, 2026 | gujaratpost

અમદાવાદઃ પંચમહાલ જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોની કિંમત ધરાવતી વ્હેલ માછલીની ઊલટી (એમ્બરગ્રીસ)ના ગેરકાયદેસર વેપારનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદ-ગોધરા હાઇવે પર આવેલા ભામૈયા ગામ પાસેથી પોલીસે કારમાંથી અંદાજે 86 લાખ રૂપિયાની કિંમતનો એમ્બરગ્રીસનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે વાવડી ખુર્દના બે લોકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગોધરા એસ.ઓ.જી.પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે અમદાવાદ- ગોધરા હાઇવે પરથી વ્હેલ માછલીની ઊલટી (એમ્બરગ્રીસ)નો મોટો જથ્થો પસાર થવાનો છે. આ બાતમીને આધારે પોલીસે ભામૈયા ગામ નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી એક શંકાસ્પદ કારને અટકાવીને તેની સઘન તપાસ કરવામાં આવતા કારમાંથી ગેરકાયદેસર રીતે લઈ જવાતો એમ્બરગ્રીસનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસની ટીમ દ્વારા કરવામાં આવેલી આ સંયુક્ત કાર્યવાહી દરમિયાન કારમાંથી કુલ 860 ગ્રામ એમ્બરગ્રીસ મળી આવ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારના મૂલ્ય અનુસાર આ જથ્થાની કિંમત આશરે 86 લાખ રૂપિયા આંકવામાં આવી છે.  

પકડાયેલા શખ્સો આ પ્રતિબંધિત જથ્થો ક્યાંથી લાવ્યાં હતા અને કોને વેચવાના હતા, તે દિશામાં એસ.ઓ.જી.ની ટીમ હાલ વધુ પૂછપરછ ચલાવી રહી છે.