+

અમદાવાદ- વડોદરામાં ધોધમાર વરસાદની આગાહી, શાળા- કોલેજો બંધ રાખવા આદેશ

અમદાવાદના બોપલ-ઘુમા ફરી જળબંબાકાર થઈ શકે છે મોડી રાતથી જ વડોદરા શહેર અને સમગ્ર જિલ્લા પર ભારે વરસાદનું સંકટ  નાગરિકોને અત્યંત જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ ગાંધીનગર: ગુજર

  • અમદાવાદના બોપલ-ઘુમા ફરી જળબંબાકાર થઈ શકે છે
  • મોડી રાતથી જ વડોદરા શહેર અને સમગ્ર જિલ્લા પર ભારે વરસાદનું સંકટ 
  • નાગરિકોને અત્યંત જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ

ગાંધીનગર: ગુજરાતમાં એક સાથે વરસાદની 4 અલગ-અલગ સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની ચોંકાવનારી આગાહી કરવામાં આવી છે. મેઘરાજાના રૌદ્ર સ્વરૂપને જોતાં તંત્ર દ્વારા વિવિધ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરી દેવાયું છે.આવતીકાલે અમદાવાદ, વડોદરા અને સુરત સહિત 13 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદની આફત અને બાળકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં રાજ્ય તંત્ર દ્વારા મહત્વના નિર્ણયો લેવાયા છે.

આવતીકાલે  અમદાવાદ અને વડોદરાની તમામ સ્કૂલ-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. અમદાવાદમાં બાળકોની સલામતી અર્થે તમામ આંગણવાડીઓ 3 ઓગસ્ટ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. મોડી રાતથી જ વડોદરા શહેર અને સમગ્ર જિલ્લા પર ભારે વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે, જેને પગલે સ્થાનિક તંત્રને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ 31 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જે અંતર્ગત સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગર, ભરૂચ, આણંદ, નર્મદા, તાપી, ડાંગ, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિતના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્રને સંપૂર્ણપણે સજ્જ અને સતર્ક રાખવાના હેતુથી ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર -SEOC ખાતે  એક સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ હતી.

વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી આ બેઠકમાં પ્રભાવિત થઈ શકે તેવા તમામ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે હાલની પરિસ્થિતિ અને આપત્તિ વ્યવસ્થાપન ની પૂર્વ તૈયારીઓની ઉંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી.  

ભારે વરસાદની આગાહી વચ્ચે અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિએ પ્રભાવિત તમામ જિલ્લાના અધિકારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ કોઈપણ ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે દરેક જિલ્લામાં 24x7 કંટ્રોલ રૂમ કાર્યરત રાખવા અને એક વર્ગ-1 અધિકારીને રાઉન્ડ ધ ક્લોક સુપરવિઝન માટે તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો હતો. 

નીચાણવાળા અને સંવેદનશીલ વિસ્તારોમાં આપત્તિ વ્યવસ્થાપન માટે જરૂરિયાત મુજબ NDRF અને SDRF ની ટીમોને ત્વરિત તૈનાત કરવા જણાવાયું છે. અધિક મુખ્ય સચિવે વધુમાં ઉમેર્યું હતું કે, અત્યંત કટોકટીની સ્થિતિમાં રાહત અને બચાવ કામગીરી માટે ભારતીય સેનાની ત્રણેય પાંખો (આર્મી, નેવી અને એરફોર્સ) ને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

facebook twitter