રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને મળ્યાં - Gujara Post

05:50 PM Jul 22, 2025 | gujaratpost

નવી દિલ્હીઃ રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સાથે રાષ્ટ્રપતિ ભવન ખાતે મુલાકાત કરી હતી. સોમવારે સાંજે જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું. જે બાદ આજે આ મુલાકાત થઈ હતી.

રાષ્ટ્રપતિ ભવન દ્વારા આ બેઠકની એક તસવીર શેર કરવામાં આવી છે, જેમાં લખવામાં આવ્યું છે કે, રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સાથે મુલાકાત કરી.

સોમવારે, જગદીપ ધનખડે સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે અચાનક રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ મંગળવારે હરિવંશે રાજ્યસભામાં સવારના સત્રની કાર્યવાહીની અધ્યક્ષતા કરી હતી. જો કે, રાજ્યસભાની કાર્યવાહી થોડા સમય બાદ આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

ઉપરાષ્ટ્રપતિના રાજીનામા સાથે રાજ્યસભાના સભાપતિનું પદ પણ ખાલી થઈ ગયું છે. કારણ કે ઉપરાષ્ટ્રપતિ ઉચ્ચ ગૃહના સભાપતિ હોય છે. આવી સ્થિતિમાં, હવે જ્યારે રાજીનામું મંજૂર થઈ ગયું છે, ત્યારે ચોમાસુ સત્રમાં રાજ્યસભાની સંપૂર્ણ કાર્યવાહી ઉપસભાપતિ હરિવંશ દ્વારા ચલાવવામાં આવશે.  ઉપરાંત, રાષ્ટ્રપતિ દ્વારા અધિકૃત કોઈ સભ્યને પણ આ જવાબદારી સોંપવામાં આવી શકે છે.