નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સન્માનમાં રાષ્ટ્રપતિ ભવનમાં ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડિનરમાં હાજરી આપવા માટે પુતિન ટૂંક સમયમાં જ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યાં હતા. જોકે, આ ડિનરના આમંત્રણને લઈને વિવાદ શરૂ થયો છે.
કોંગ્રેસના સાંસદ શશિ થરૂરને ડિનર માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે, જ્યારે કોંગ્રેસના અન્ય વરિષ્ઠ નેતાઓ જેવા કે વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને આમંત્રણ આપવામાં આવ્યું નથી. વિવાદ થતાં હવે રાષ્ટ્રપતિ ભવનના સૂત્રોએ સ્પષ્ટતા કરી છે.
રાષ્ટ્રપતિ ભવનના સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ, રાજ્ય સમારોહમાં આમંત્રણ આપવું એ કોઈ પણ પદાધિકારીનો અધિકાર નથી. સૂત્રોએ જણાવ્યું કે, આવા આમંત્રણો આપતી વખતે એ પણ ધ્યાનમાં રાખવામાં આવે છે કે ભૂતકાળમાં સંબંધિત વ્યક્તિએ રાજ્ય સમારોહમાં હાજરી આપી હતી કે નહીં. અગાઉ એવું જોવા મળ્યું છે કે વિપક્ષના નેતા (LOP) ગણતંત્ર દિવસ અથવા મુખ્ય ન્યાયાધીશના શપથ ગ્રહણ સમારોહ જેવા મહત્વપૂર્ણ રાજ્ય સમારોહમાં ઉપસ્થિત રહ્યાં ન હતા.
જ્યારે ભારતના રાષ્ટ્રપતિ કોઈ વ્યક્તિને વ્યક્તિગત રીતે આમંત્રણ આપે છે, ત્યારે તે આમંત્રણનું સન્માન કરવું અપેક્ષિત હોય છે. તેમ છતાં, કોઈને આમંત્રણ આપવું કે ન આપવું, તે સંપૂર્ણપણે રાષ્ટ્રપતિ ભવનનો વિશેષાધિકાર છે. આ સ્પષ્ટતા દર્શાવે છે કે કોંગ્રેસના ટોચના નેતાઓને આમંત્રણ ન આપવાનો નિર્ણય સંપૂર્ણપણે પ્રોટોકોલ અને ભૂતકાળની હાજરીના રેકોર્ડને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. જો કે કોંગ્રેસના કેટલાક નેતાઓ મોદી સરકારની આ નીતિ વખોડી રહ્યાં છે.