બલૂચિસ્તાનમાં ટ્રેન હાઈજેક બાદ પાકિસ્તાન ડરી ગયું ! 100 થી વધુ બંધકો હજુ પણ બલૂચ આર્મીના કબ્જામાં, જુઓ વીડિયો

08:35 PM Mar 12, 2025 | gujaratpost

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના બલૂચિસ્તાનના ક્વેટાથી પેશાવર જતી જાફર એક્સપ્રેસ ટ્રેન હજુ પણ બલૂચ વિદ્રોહીઓના કબ્જામાં છે. અત્યાર સુધીમાં 150 થી વધુ બંધકોને છોડાવ્યાં છે. પરંતુ 100 થી વધુ બંધકો હજુ પણ બલૂચ આર્મીની કસ્ટડીમાં છે. પાકિસ્તાન સરકારે ટ્રેન અપહરણની ઘટના બાદ સાવચેતીના પગલા તરીકે ક્વેટા સુધીની રેલ સેવાઓ સ્થગિત કરી દીધી છે. દરમિયાન બલૂચ આર્મીએ ટ્રેન અપહરણના સમયનો વીડિયો પણ જાહેર કર્યો છે.

ટ્રેન હાઈજેકનો વીડિયો

બલૂચિસ્તાન લિબરેશન આર્મી દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે જાફર એક્સપ્રેસ સામાન્ય રીતે જઈ રહી છે.દરમિયાન ટ્રેનને નિશાન બનાવીને વિસ્ફોટ કરવામાં આવે છે. વિસ્ફોટ પછી ટ્રેન અટકી જાય છે. પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ટ્રેન હાઈજેક થયાને 24 કલાકથી વધુ સમય વીતી ગયો છે. બાનમાં લેવામાં આવેલા લોકોને બચાવવા માટે પાકિસ્તાન સુરક્ષા દળના જવાનોનું ઓપરેશન ચાલુ છે.

પાકિસ્તાની મીડિયાએ થોડા સમય પહેલા દાવો કર્યો હતો કે અત્યાર સુધીમાં 155 મુસાફરોને બચાવી લેવામાં આવ્યાં છે અને બચાવ અભિયાનમાં બલૂચ લિબરેશન આર્મી (BLA)ના 27 લોકો માર્યા ગયા છે. અત્યારે પણ જાફર એક્સપ્રેસમાં સવાર 100થી વધુ મુસાફરો બંદૂકધારીઓએ બંધક  બનાવી રાખ્યાં છે. BLAએ 30 પાકિસ્તાની સૈનિકોની હત્યાનો દાવો કર્યો હતો. લાંબા સમયથી BLA દ્વારા કોઈ આંકડા જાહેર કરવામાં આવ્યાં નથી.

પાકિસ્તાની સેના બંધક મુસાફરોને છોડાવવા માટે ઘણા પ્રયાસો કરી રહી છે, પરંતુ બચાવ કામગીરીમાં ઘણી સમસ્યાઓ સામે આવી રહી છે. અહેવાલો અનુસાર, BLAએ તેના આત્મઘાતી હુમલાખોરોને બંધકોની વચ્ચે રાખ્યાં છે. બોમ્બરોએ આત્મઘાતી જેકેટ પહેર્યા છે, જેના કારણે સુરક્ષા દળો માટે બંધકોને છોડાવવામાં મુશ્કેલી પડી રહી છે.

શું છે સમગ્ર મામલો 

જાફર એક્સપ્રેસ મંગળવારે સવારે લગભગ 9 વાગ્યે પાકિસ્તાનના ક્વેટાથી પેશાવર માટે રવાના થઈ હતી. આ ટ્રેન બપોરે 1.30 વાગ્યે સિબ્બી પહોંચવાની હતી, દરમિયાન બોલાન પાસે હુમલો થયો હતો. જે જગ્યાએથી ટ્રેન પસાર થઈ રહી હતી તે પહાડી વિસ્તાર છે. અહીં ઘણી ટનલ પણ છે જેના કારણે ટ્રેનની સ્પીડ ધીમી કરવી પડી હતી. તેનો ફાયદો ઉઠાવીને BLAએ એન્જિનને નિશાન બનાવ્યું અને તેમાં વિસ્ફોટ કર્યો, ત્યાર બાદ ટ્રેન રોકાઈ ગઈ, આ હુમલો સંપૂર્ણ આયોજન સાથે કરવામાં આવ્યો છે. આ આખો વિસ્તાર ટેકરીઓ અને સુરંગોથી ઘેરાયેલો છે, જેના કારણે મોબાઈલ નેટવર્ક નથી. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું છે કે પડકારો છતાં સેનાનું મનોબળ અકબંધ છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++