- સુરત શહેરમાં પ્રી-મોન્સૂન વરસાદનું આગમન
- ડોમ બનાવવાની તૈયારીઓ વચ્ચે સ્થળ રદ્દ કરાયું
- 5 જૂને સુરતમાં વડાપ્રધાનની જાહેર સભા હવે ખુલ્લા મેદાનને બદલે ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાશે
સુરતઃ હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે સુરતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. આગામી 5 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવવાના છે, તે પહેલાં જ શહેરમાં મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી, તંત્ર દ્વારા છેલ્લી ઘડીએ વડાપ્રધાનની સભાના સ્થળમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વેસુ વીઆઈપી રોડ-2 પર યોજાનારો ઓપન ગ્રાઉન્ડનો કાર્યક્રમ રદ કરીને હવે આ સભા ઈન્ડોર સ્ટેડિયમમાં યોજવાનું નક્કી કરાયું છે.
પીએમ નરેન્દ્ર મોદી આગામી 5 જૂનના રોજ સુરતની મુલાકાતે આવવાના હોવાથી વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. દમણ ખાતે નવનિર્મિત એરપોર્ટના ઉદ્ઘાટન સંબંધિત કાર્યક્રમમાં હાજરી આપ્યાં બાદ પીએમ મોદી સુરત આવવાના છે.
વડાપ્રધાનની જાહેર સભા માટે સુરતમાં ચાર અલગ-અલગ સ્થળોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાંથી વેસુ વીઆઇપી રોડ-2 પર સ્થળ ફાઇનલ કરીને ત્યાં વિશાળ ડોમ બનાવવાની તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ હતી. પરંતુ વરસાદની આગાહી અને ઉનાળાની ગરમી, બફારાને ધ્યાનમાં રાખીને તંત્રએ કોઈ જોખમ ન લેવાનું નક્કી કર્યું છે. હવે છેલ્લી ઘડીએ આ ઓપન સ્થળ રદ કરીને સમગ્ર કાર્યક્રમ ઇન્ડોર સ્ટેડિયમમાં શિફ્ટ કરવામાં આવ્યો છે.
સુરત શહેરમાં ગત રોજથી જ હળવા પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે. શહેરના ડીંડોલી, ઉધના, ભટાર, વેસુ અને લિંબાયત સહિતના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. લાંબા સમયની અસહ્ય ગરમી બાદ વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જોકે, હવામાન વિભાગે હજુ પણ આગામી દિવસોમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.