લૂંટેરી દુલ્હન, કચ્છમાં એક રાત રોકાયા બાદ રોકડા રૂ. 2.25 લાખ અને સોના-ચાંદીના દાગીના લઈને ફરાર- Gujarat Post

11:10 AM Jul 15, 2024 | gujaratpost

(Demo Pic)

કચ્છઃ રાજ્યમાં લૂંટેરી દુલ્હનનો નવો કિસ્સો ફરી એક વાર સામે આવ્યો છે. કચ્છના ગઢશીશામાં રહેતા યુવકના લગ્ન ન થતાં એજન્ટનો સંપર્ક કર્યો હતો. એજન્ટે યુવતી બતાવ્યાં બાદ થોડા જ દિવસમાં લગ્ન થઈ ગયા હતા અને એક રાત રોકાઇને યુવતી રોકડા 2.25 લાખ, સોના-ચાંદીના દાગીના લઈને કોઈને કહ્યાં વગર જતી રહી હતી. યુવકને પોતે લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો હોવાનો અહેસાસ થતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ગઢશીશામાં રહેતા ધવલ નલીનભાઇ જણસારીએ પોલીસે જણાવ્યું કે, માધાપર રહેતા કૌટુંબીક ભાઇ પુનીત પ્રફુલભાઇ જણસારીને તેના પિતાએ  છોકરી શોધવા કહ્યું હતું. ત્યાર બાદ આરોપી પુનીતે ફરિયાદીને મિત્ર વિશાલ થારૂ, રહે માધાપરનો મોબાઇલ નંબર આપ્યો હતો. વિશાલ થારૂએ મહારાષ્ટ્રની મનિષા ગજાનંદ માનવતે નામની યુવતી સાથે ફરિયાદીના લગ્નની વાત કરી હતી. ત્યાર બાદ પુનીત, વિશાલ થારૂ, માધાપરના પ્રકાશ મહેશ્વરી, જામનગર રહેતા હેમંતભાઇ અને યુવતીના બહેન-બનેવી ફરિયાદીના ઘરે મળવા આવ્યાં હતા. બાદમાં તેમને વિશ્વાસમાં લઇને ભૂજ ખાતે આવેલા દંતેશ્વર મહાદેવના મંદિરમાં લગ્ન કરાવ્યાં હતા.

લગ્ન વખતે આરોપીઓએ તેમના પિતા પાસેથી રૂપિયા 2.25 લાખ લીધા હતા. લગ્ન કરનાર યુવતીને સોનાની બુટ્ટી, નાકની સોનાની સરી, તથા ચાંદીના પગમાં પટ્ટા પહેરવ્યા હતા. લગ્ન કર્યા બાદ ફરિયાદી સાથે યુવતી ગઢશીશા ગામે ફરિયાદીના ઘરે રાત રોકાઇ હતી. બીજા દિવસે યુવતી કોઇને કહ્યાં વગર ફરાર થઇ ગઇ હતી. યુવકની ફરિયાદને આધારે પોલીસે લૂંટેરી દુલ્હન અને ટોળકીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યાં છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526