નવી દિલ્હીઃ લાલ કિલ્લાની સુરક્ષામાં બેદરકારી, ડમી બોમ્બ ન પકડવા બદલ 7 પોલીસકર્મીઓ સસ્પેન્ડ

10:15 AM Aug 05, 2025 | gujaratpost

નવી દિલ્હીઃ સ્વતંત્રતા દિવસની સુરક્ષાને લઈને દિલ્હીથી મોટા સમાચાર આવ્યાં છે. દિલ્હીમાં લાલ કિલ્લાની સુરક્ષા માટે તૈનાત હેડ કોન્સ્ટેબલ સહિત 7 પોલીસકર્મીઓને બેદરકારીના આરોપસર સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. લાલ કિલ્લા પર યોજાનારા સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ માટે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ મોક ડ્રીલ કરે છે. શનિવારે પણ એક કવાયત હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન દિલ્હી પોલીસના સ્પેશિયલ સ્ટાફની એક ટીમ ડમી બોમ્બ સાથે સિવિલ ડ્રેસમાં લાલ કિલ્લા પરિષરમાં પ્રવેશી હતી. પરંતુ લાલ કિલ્લાની સુરક્ષા માટે તૈનાત પોલીસકર્મીઓ બોમ્બ શોધી શક્યા નહીં, ત્યારબાદ સુરક્ષા માટે તૈનાત તમામ 7 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.

પોલીસકર્મીઓ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ

સ્પેશિયલ સેલની એક ટીમ શનિવારે સાદા કપડામાં લાલ કિલ્લા પરિષરમાં ડમી બોમ્બ સાથે પ્રવેશી હતી. તે સમયે સુરક્ષા માટે તૈનાત પોલીસકર્મીઓ બોમ્બ શોધી શક્યા ન હતા. તેથી, તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. લાલ કિલ્લાની સુરક્ષામાં આટલી મોટી ભૂલને કારણે, 7 પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ડીસીપી રાજા બંઠિયાએ બાકીના જવાનોને પણ કડક સૂચનાઓ આપી હતી.

5 બાંગ્લાદેશીઓ લાલ કિલ્લામાં બળજબરીથી પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યાં હતા

લાલ કિલ્લાની સુરક્ષા સાથે જોડાયેલા વધુ એક સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. દિલ્હી પોલીસે લાલ કિલ્લા પરિષરમાં બળજબરીથી પ્રવેશ કરવા બદલ 5 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે. તેમની ઉંમર આશરે 20-25 વર્ષની વચ્ચેની છે.તે બધા ગેરકાયદેસર બાંગ્લાદેશી છે જે દિલ્હીના વિવિધ વિસ્તારોમાં મજૂર તરીકે કામ કરે છે.

આરોપીઓ પાસેથી બાંગ્લાદેશી દસ્તાવેજો મળી આવ્યાં

પોલીસને તેમની પાસેથી બાંગ્લાદેશી દસ્તાવેજો મળી આવ્યા છે. હાલમાં પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે. લાલ કિલ્લામાં પ્રવેશવા પાછળ તેમનો હેતુ શું હતો તે જાણવાનો પ્રયાસ કરી રહી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++