- ખેડૂત એકતાનું શક્તિપ્રદર્શન થશે
- ટિકૈતની ઉપસ્થિતિથી આંદોલનને નવો વેગ મળશે
- સભા પહેલાં રાકેશ ટિકૈત ખેડૂત છાવણીની કરશે મુલાકાત
મોરબીઃ રવાપર ગામે આગામી 8 ઓગસ્ટ, 2026ના રોજ દેશના અગ્રણી ખેડૂત નેતા રાકેશ ટિકૈતની ખાસ ઉપસ્થિતિમાં એક વિશાળ કિસાન મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારાએ આ અંગે વિગતો આપતાં જણાવ્યું કે, આ જાહેર સભા રાત્રે 8 વાગ્યે રવાપર ગામે આવેલા કેપિટલ માર્કેટના ગ્રાઉન્ડમાં યોજાશે. તેમણે મોરબી સહિત સમગ્ર ગુજરાતભરના ખેડૂતોને મોટી સંખ્યામાં હાજર રહી ખેડૂત એકતાનું પ્રદર્શન કરવા માટે હાકલ કરી છે.
મોરબી જિલ્લાના જેતપર ગામેથી ખાનગી વીજ કંપનીઓ પાસેથી યોગ્ય અને પૂરતું વળતર મેળવવાની માંગ સાથે શરૂ થયેલું આ ખેડૂત આંદોલન હવે સમગ્ર ગુજરાતના અનેક જિલ્લાઓમાં વિસ્તર્યું છે. આ આંદોલન સંપૂર્ણપણે બિન-રાજકીય ધોરણે આગળ વધી રહ્યું છે, જેમાં કોઈ પણ રાજકીય પક્ષના આગેવાનોને સામેલ કરવામાં આવ્યાં નથી. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ખેડૂતો એકજૂથ થઈને આવેદનપત્રો આપી પોતાની માંગણીઓ રજૂ કરી રહ્યાં છે.
મનોજ પનારાના જણાવ્યાં અનુસાર, જાહેર સભાને સંબોધતા પહેલાં રાકેશ ટિકૈત જેતપર ગામે ચાલી રહેલી 'ગુજરાત ખેડૂત છાવણી'ની મુલાકાત લેશે. દરમિયાન તેઓ આંદોલનકારી ખેડૂતો સાથે સીધી મુલાકાત કરીને તેમની સ્થાનિક સમસ્યાઓ, માંગણીઓ અને આંદોલનની વર્તમાન સ્થિતિ અંગે વિગતવાર માહિતી મેળવશે. ત્યાર બાદ તેઓ રવાપર ખાતે આયોજિત કિસાન મહાસભામાં હાજરી આપીને ખેડૂતોને સંબોધશે.
નોંધનિય છે કે અદાણી કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં મોટા થાંભલા નાખવામાં આવી રહ્યાં હતા, તેનું યોગ્ય વળતર ન મળતા ખેડૂતોએ ભાજપ સરકાર સામે બાંયો ચઢાવી છે.