Accident: બારડોલી નજીક બે ST બસો વચ્ચે અકસ્માત: CNG બસમાં આગ લાગતાં 7 લોકોનાં મોત

10:03 AM Jun 03, 2026 | gujaratpost

  • મહારાષ્ટ્ર પાસિંગની હતી બંને એસટી બસ
  • એક બસ સીએનજી હતી
  • રોડ પર પલટી ગયેલા ટેન્કરના કારણે સર્જાયો અકસ્માત

સુરત: બારડોલીના ઉવા ગામ નજીક મહારાષ્ટ્ર પાસિંગની બે સરકારી એસ.ટી. બસો વચ્ચે સર્જાયેલા ભીષણ અકસ્માતમાં 7 મુસાફરોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, આ અકસ્માત પાછળનું કારણ રસ્તા પર પલટી મારી ગયેલું એક ટેન્કર હતું. બારડોલીના ઉવા ગામ નજીક હાઈવે પર એક ટેન્કર અચાનક પલટી મારી ગયું હતું. આ પલટી મારી ગયેલા ટેન્કર સાથે અથડામણ ટાળવાના ચક્કરમાં પાછળથી આવી રહેલી મહારાષ્ટ્ર પાસિંગની સરકારી બસના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.

નિયંત્રણ ગુમાવતા જ આ બસ ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં ધસી ગઈ હતી અને સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી મહારાષ્ટ્ર પાસિંગની જ બીજી સરકારી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ સામસામેની ટક્કર એટલી પ્રચંડ હતી કે બસ રસ્તા પર જ પલટી મારી ગઈ હતી.

અકસ્માતગ્રસ્ત બસો પૈકી એક બસ CNG સંચાલિત હોવાના કારણે, ટક્કરની ગણતરીની સેકન્ડોમાં જ તેમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતાંમાં આગે આખી બસને પોતાની લપેટમાં લઈ લીધી હતી, જેના કારણે બસમાં સવાર મુસાફરોમાં ચીસાચીસ અને ભારે અફરાતફરી મચી ગઈ હતી.

અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મુસાફરોની મદદે દોડી આવ્યાં હતા. ઘટનાની જાણ થતાં જ બારડોલી ફાયર વિભાગની ટીમ અને બારડોલી ટાઉન પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરો દ્વારા ભારે જહેમત બાદ બસમાં લાગેલી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

 આ ગંભીર દુર્ઘટનામાં અનેક મુસાફરો દાઝી જવાથી અને અકસ્માતની ઈજાઓથી ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તબીબોની ટીમ દ્વારા તેમને સઘન સારવાર આપવામાં આવી રહી છે.

હાઈવે પર અકસ્માતને કારણે ભારે ચક્કાજામ સર્જાયો હતો. પોલીસ તંત્ર દ્વારા હાલ ટ્રાફિક નિયમન કરીને રસ્તો ખુલ્લો કરાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.