(પ્રતિકાત્મક ફોટો)
Surat News: શહેરમાં લાંબા સમયથી અચાનક બેભાન થવા કે છાતીમાં દુઃખાવો ઉપડ્યા બાદ એક પછી એક મોત થવાના બનાવમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. અડાજણ રોડ પર રિક્ષામાં છાતીમાં દુઃખાવો થયા બાદ બેભાન થયેલો વરાછાનો 21 વર્ષીય કોલેજીયન, ખટોદારામાં 24 વર્ષીય યુવાન અને 44 વર્ષીય મહિલાની તબિયત બગડ્યાં બાદ તેઓ મોતને ભેટ્યાં હતા.
વરાછામાં હીરાબાગ ખાતે નર્મદનગર સોસાયટીમાં રહેતો 21વર્ષીય મિલાપ વિશાલ પટેલ અડાજણમાં ભૂલકા ભવન પાસે બાઇક મુકીને એક ઓટો રીક્ષામાં બેસીને ઘરે આવવા નીકળ્યો હતો. તે સમયે અડાજણ પાટીયા રોડ પર દીપા કોમ્પ્લેક્સ સામેથી રીક્ષામાં જ તે અચાનક બેભાન થઈ ગયો હતો. જેથી તેને રીક્ષા ચાલક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો હતો. જયાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
ખટોદરામાં પંચશીલનગરમાં રહેતા 44 વર્ષીય રેખાબેન અનિલભાઇ કનોજીયા બપોરે ઘરમાં તેના પુત્ર આદર્શ સાથે બેસીને વાતચીત કરતા હતા. તે સમયે તેમની અચાનક તબિયત બગડતા બેભાન થયા હતા. જેથી તેને સારવાર માટે નવી સિવિલમાં લાવ્યાં હતા. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યા હતા.
ત્રીજા બનાવમાં ખટોદરા રોડ પર પંચશીલનગરમાં રહેતો 24 વર્ષીય સાજનકુમાર મધુસુદન સિંહ પાંડેસરાની કંપનીમાં નોકરીથી ઘરે આવીને સુઇ ગયો હતો. જોકે તે નહી ઉઠતા તેના પરિચિત ચિંતાતુર થઇ ગયા હતા અને 108ને કોલ કરતા એમ્બ્યુલન્સ આવી હતી પરંતુ તેના સ્ટાફે મૃત જાહેર કર્યો હતો.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526