કુવૈત અગ્નિકાંડ: 45 ભારતીય નાગરિકોના મૃતદેહોની થઈ ઓળખ, જાણો- કંઇ રીતે લાગી હતી આ ભીષણ આગ

11:22 AM Jun 14, 2024 | gujaratpost

દુબઈ: કુવૈતી સરકારે 45 ભારતીયોના અને ત્રણ ફિલિપિનોના મૃતદેહોની ઓળખ કરી છે જેમણે વિદેશી કામદારોના રહેઠાણની ઇમારતમાં આગમાં જીવ ગુમાવ્યાં હતા. એક ઉચ્ચ અધિકારીએ આ માહિતી આપી છે. કુવૈતે આ ઘટનાની તપાસ અને મૃતકોના મૃતદેહ મોકલવામાં સંપૂર્ણ સહયોગની ખાતરી આપી છે. દક્ષિણના શહેર મંગફમાં બુધવારે સાત માળની ઈમારતમાં આગ લાગવાથી 49 વિદેશી કામદારોના મોત થયા હતા અને 50 અન્ય ઘાયલ થયા હતા. આ બિલ્ડિંગમાં 196 પરપ્રાંતિય કામદારો રહેતા હતા.

મૃતકોમાં 3 ઉત્તર પ્રદેશના, 24 કેરળના, 7 તમિલનાડુના અને 3 આંધ્રપ્રદેશના હતા. ભારતીય વાયુસેનાનું એક વિશેષ વિમાન, C-130J, શુક્રવારે સવારે 45 મૃત ભારતીયોના મૃતદેહોને લઈને કોચી માટે ઉડાન ભરી છે. ભારતીય દૂતાવાસે આ અંગે માહિતી આપી છે. દૂતાવાસે કહ્યું કે વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધનસિંહ પણ આ જ વિમાન દ્વારા પરત ફરી રહ્યાં છે. કુવૈતમાં આગની ઘટનામાં મૃત્યું પામેલા 45 ભારતીયોના મૃતદેહને લઈને ભારતીય વાયુસેનાનું એક વિશેષ વિમાન ટૂંક સમયમાં પહોંચશે. આ સંદર્ભે કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પોલીસ ફોર્સ અને એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે.

યુપીના મૃતકોની ઓળખ વારાણસીના માધવ સિંહ, ગોરખપુરના જયરામ ગુપ્તા અને અંગદ ગુપ્તા તરીકે થઈ છે. આંધ્રપ્રદેશના મૃતકોમાં શ્રીકાકુલમ જિલ્લાના ટી લોકાનંદમ, એમ સત્યનારાયણ અને પશ્ચિમ ગોદાવરી જિલ્લાના એમ એશ્વરુડુની ઓળખ કરવામાં આવી છે.

આ કારણે આગ લાગી હતી

અંગ્રેજી દૈનિક અખબાર 'અરબ ટાઈમ્સ'ના અહેવાલ મુજબ નાયબ વડાપ્રધાન, ગૃહ પ્રધાન અને સંરક્ષણ પ્રધાન શેખ ફહદ અલ-યુસેફ અલ-સબાહે જણાવ્યું કે અધિકારીઓએ 48 મૃતદેહોની ઓળખ કરી છે, જેમાં 45 ભારતીયો અને ત્રણ ફિલિપિનો છે. નાયબ વડાપ્રધાને કહ્યું કે બાકીના એક મૃતદેહને ઓળખવાના પ્રયાસો હજુ ચાલુ છે. કુવૈતના ફાયર ફોર્સે જણાવ્યું છે કે આગ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી.

રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહ કુવૈતમાં

આ ઘટનામાં ઘાયલ ભારતીયોને અપાયેલી સહાયની સમીક્ષા કરવા અને મૃતકોના મૃતદેહ વહેલા પરત મળે તે સુનિશ્ચિત કરવા કુવૈત પહોંચેલા વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે કુવૈતના વિદેશ મંત્રી અબ્દુલ્લા અલી અલ-યાહ્યા સાથે મુલાકાત કરી છે. સિંહ આ ઘટનામાં ઘાયલ થયેલા કેટલાક ભારતીયોને પણ મળ્યા હતા અને તેમને ભારત સરકાર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. તેઓ નાયબ વડા પ્રધાન શેખ ફહદને મળ્યાં હતા અને તેમને તમામ જરૂરી સહાય અને સમર્થન સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.

ધરપકડની પ્રક્રિયા શરૂ

નાયબ વડાપ્રધાન શેખ ફહાદે જણાવ્યું કે કુવૈતના અમીર શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહે મૃતકોના પરિવારોને નાણાકીય સહાયનું વિતરણ કરવા સૂચનાઓ જારી કરી છે, જોકે તેમણે વળતરની રકમનો ઉલ્લેખ કર્યો નથી. એક કુવૈતી નાગરિક અને કેટલાક વિદેશીઓની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. શેખ ફહાદે ચેતવણી આપી હતી કે બિલ્ડિંગ બાંધકામ સંબંધિત કોઈપણ ઉલ્લંઘનને કોઈપણ પૂર્વ ચેતવણી વિના સજા કરવામાં આવશે. જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી અસરગ્રસ્ત બિલ્ડિંગના માલિકને કસ્ટડીમાં રાખવામાં આવશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526