PM મોદી આજે અમદાવાદમાં કરશે રોડ શો, જાણો શું છે નિકોલમાં સભા યોજવાનું કારણ - GujaratPost

07:09 PM Aug 25, 2025 | gujaratpost

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે બપોરે તેઓ અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે, ત્યાંથી તેઓ હરિદર્શન ચાર રસ્તાથી લઈ નિકોલમાં ખોડલધામ ગ્રાઉન્ડ સુધી રોડ શો કરશે. નિકોલમાં આ વિસ્તારને દિવાળી જેવો શણગારવામાં આવ્યો છે.

પીએમ મોદીના સ્વાગત માટે વિવિધ બેનરો લગાવવામાં આવ્યાં છે, જેમાં સ્વચ્છતા અને ગણેશ જેવા વિષયો પર ભાર મૂકવામાં આવ્યો છે. પીએમ મોદીની નિકોલમાં જાહેરસભા યોજવા પાછળ એક રાજકીય હેતુ છે. આગામી ડિસેમ્બર કે જાન્યુઆરીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાવાની છે અને છેલ્લા કેટલાક સમયથી પૂર્વ અમદાવાદના લોકો સરકારી કામગીરીથી નારાજ છે.

ખાસ કરીને નિકોલ વિસ્તારના લોકોમાં આ નારાજગી વધુ છે. નિકોલના રોડ રસ્તાની હાલત શરમાવે તેવી છે, ઉપરાંત ગટર ઉભરાવાની અને પાણી ભરાવા જેવી સમસ્યાઓ છે. આ કારણે ભાજપના કોર્પોરેટરો, ધારાસભ્યોએ લોકોના ગુસ્સાનો સામનો કરવો પડે છે.

એવું માનવામાં આવે છે કે આ નારાજગીને કારણે આવનારી કોર્પોરેશનની ચૂંટણીમાં નિકોલ વોર્ડમાં ભાજપને મોટું નુકસાન થઈ શકે છે. આ નુકસાન અટકાવવા અને મતદારોને ફરીથી પક્ષ તરફ આકર્ષવા માટે પીએમ મોદીની સભાનું આયોજન નિકોલ વિસ્તારમાં કરવામાં આવ્યું છે. આ સભાથી નરોડા, ઠક્કરબાપાનગર, નિકોલ અને દસ્ક્રોઇ વિધાનસભા જેવી બેઠકો પર ફાયદો થવાની શક્યતા છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++