નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ ભારતે આપી દીધો છે. ભારતે એરસ્ટ્રાઈક કરીને પીઓકેમાં આતંકવાદીઓના ઠેકાણાઓને જમીનદોસ્ત કરી દીધા છે. ઓપરેશન સિંદૂર અંગે વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી સાથે વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને કર્નલ સોફિયા કુરેશીએ મીડિયાને માહિતી આપી હતી. દેશના લોકો એ જાણવા ઉત્સુક છે કે કર્નલ સોફિયા કુરેશી કોણ છે.
કર્નલ સોફિયા કુરેશી વડોદરાના રહેવાસી છે. તેમણે પુનામાં બહુરાષ્ટ્રીય સેના અભ્યાસ એક્સરસાઈઝ ફોર્સ 18માં ભારતીય સેનાની ટુકડીની કમાન સંભાળી હતી. આવું કરનાર તે પ્રથમ મહિલા અધિકારી છે. 35 વર્ષિય કર્નલ સોફિયા કુરેશી 2016માં એક્સરસાઈઝ ફોર્સ 18 મિલિટ્રી ડ્રિલનો ભાગ રહી ચૂક્યાં છે. તેમણે બાયોકેમેસ્ટ્રીની ડિગ્રી મેળવી છે. લગભગ 6 વર્ષથી, તેણે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનમાં ભારત વતી યોગદાન આપ્યું છે અને કોંગોમાં મિશન પૂર્ણ કર્યું છે.
ગુજરાતની રહેવાસી સોફિયા કુરેશી ભારતીય સેનાના સિગ્નલ કોર્પ્સમાં અધિકારી છે. તેમણે પોતાની કારકિર્દીમાં ઘણા સીમાચિહ્નો સ્થાપિત કર્યા છે, જે મહિલાઓ માટે પ્રેરણારૂપ છે. સોફિયા કુરેશીએ મેજર તાજુદ્દીન કુરેશી સાથે લગ્ન કર્યા છે, જેઓ આર્મીના મિકેનાઇઝ્ડ ઇન્ફન્ટ્રીમાં ફરજ બજાવતા હતા. બંનેને નવ વર્ષનો દીકરો પણ છે.
સોફિયા એક આર્મી પરિવારમાંથી આવે છે. તેમના દાદા ભારતીય સેનામાં સેવા આપી ચૂક્યાં છે. તેમના પિતાએ પણ થોડા સમય માટે સેનામાં સેવા આપી હતી. જેને કારણે સોફિયાએ પણ બાળપણથી જ સૈનિક બનવાનું સપનું જોયું હતુ, 1999 માં, તેમણે ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી OTA દ્વારા સેનામાં કમિશન મળ્યું. ત્યારબાદ, તેમને દેશના વિવિધ ભાગોમાં પોસ્ટ કરવામાં આવ્યાં હતા.
સોફિયા કુરેશીને શાંતિ મિશનનો પણ અનુભવ છે. 2006 માં, તેમણે કોંગો આફ્રિકામાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનમાં લશ્કરી નિરીક્ષક તરીકે સેવા આપી હતી, ઉપરાંત, તેમણે ઓપરેશન પરાક્રમ દરમિયાન પંજાબ સરહદ પર સેવા આપી હતી. ઉત્તર-પૂર્વ ભારતમાં પૂર રાહત કામગીરી દરમિયાન તેમના સંદેશાવ્યવહાર કાર્યને સિગ્નલ ઓફિસર-ઇન-ચીફ પ્રશંસા કાર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતા.
