Video: આંજણા પટેલ યુવક સાથે લગ્ન બાદ સિંગર કિંજલ રબારીએ હર્ષ સંઘવીને શું કરી વિનંતી ?

06:02 PM Mar 13, 2026 | gujaratpost

રાધનપુરઃ ગુજરાતની જાણીતી લોકગાયિકા કિંજલ રબારી હાલમાં તેના લગ્નને લઈને વિવાદોના ફસાઈ છે. રબારી જ્ઞાતિની આ ગાયિકાએ આંજણા પટેલ જ્ઞાતિના યુવક અશોક ચૌધરી સાથે પ્રેમલગ્ન કર્યા બાદ સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચી ગયો છે. કિંજલે એક ભાવુક વીડિયો શેર કરીને પોતાની અને તેના પતિની જાનનું જોખમ હોવાની આશંકા વ્યક્ત કરી છે અને ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પાસે સુરક્ષાની માંગ કરી છે.

કિંજલ રબારીએ વીડિયોમાં સમાજની બેવડી નીતિ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, જ્યારે આપણા દીકરાઓ બીજા સમાજની દીકરીઓને લાવે ત્યારે બધું સ્વીકારાય છે, પણ દીકરી પોતાની મરજીથી લગ્ન કરે તો વિરોધ કેમ? લગ્ન બાદ સોશિયલ મીડિયા પર ગાયિકાને અને તેના પતિને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.

કિંજલે સ્પષ્ટ કર્યું કે તે પુખ્ત વયની છે અને તેને પોતાની જિંદગીના નિર્ણયો લેવાનો પૂરો અધિકાર છે. જે લોકો તેને બદનામ કરી રહ્યાં છે તેમની સામે તે કાયદાકીય પગલાં લેવાની પણ તૈયારીમાં છે. રાધનપુરના સીનાડ ગામની વતની કિંજલ રબારીએ આંજણા પટેલ જ્ઞાતિના યુવક સાથે ભાગીને લગ્ન કર્યા છે. કિંજલના જણાવ્યા અનુસાર, તેણે લગ્ન પહેલાં તેના પરિવારને મનાવવાના ખૂબ પ્રયત્નો કર્યા હતા, પરંતુ સફળતા મળી ન હતી. અંતે તેણે પોતાની રાજીખુશીથી લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

હાલમાં તેના પતિ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણીઓ અને અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. કિંજલે વકીલ મારફતે પોલીસ પ્રોટેક્શનની માંગણી કરી છે અને જણાવ્યું છે કે જો તેને કે તેના પતિને કંઈ પણ થશે તો જવાબદાર તેના પરિવારજનો રહેશે.