PMJAY સંલગ્ન હોસ્પિટલો મેડિકલ કેમ્પ નહીં યોજી શકે, ખ્યાતિ હોસ્પિટલના ડો.પ્રશાંત વજીરાણીની પૂછપરછમાં થઈ શકે છે ચોંકાવનારા ખુલાસા- Gujarat Post

09:28 AM Nov 15, 2024 | gujaratpost

ખ્યાતિ હોસ્પિટલે કેમ્પને કમાણીનું સાધન બનાવી દીધું હતું

ખ્યાતિ હોસ્પિટલના એક પછી એક કાંડ સામે આવી રહ્યાં છે

અમદાવાદઃ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડનો મુદ્દો માત્ર અમદાવાદ કે ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં ચગ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી આ મુદ્દો સોશિયલ મીડિયા ટ્રેન્ડમાં પણ છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે સોલા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર પ્રશાંત વજીરાણી, હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર કાર્તિક પટેલ, ડોક્ટર સંજય પટોલિયા, હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂત અને રાજશ્રી કોઠારી વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે વસ્ત્રાપુર પોલીસે ડોક્ટર પ્રશાંતની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી, જેમાં કોર્ટે આરોપીના 7 દિવસના રિમાંડ મંજૂર કર્યાં હતા. રિમાંડ દરમિયાન પૂછપરછમાં અનેક ચોંકાવનારી માહિતી સામે આવી શકે છે.

Trending :

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ બાદ સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં PMJAY સંલગ્ન હોસ્પિટલો મેડિકલ કેમ્પ નહીં યોજી શકે. જો કોઈ હોસ્પિટલ કેમ્પ કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. વિવિધ હોસ્પિટલો દ્વારા દર્દીઓને શોધવા ફ્રી મેડિકલ કેમ્પ કરાય છે. ખ્યાતિ હોસ્પિટલે પણ ફ્રી કેમ્પ કરીને દર્દીઓને હોસ્પિટલ લાવ્યાં હતા. જેમને કોઈ તકલીફ ન હતી તેવા લોકોના ઓપરેશન કરવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનામાં સરકારી યોજનાના રૂપિયા પડાવવા હોસ્પિટલ દ્વારા ઓપરેશન કરાયા હતા.

કડીમાં બોરીસણા ગામે ફ્રી કેમ્પ હોસ્પિટલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી 19 દર્દીને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે બોલાવાયા હતા. અહીં તમામ દર્દીઓની તેમને પૂછ્યા વિના જ એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકી દેવાયા હતા. સ્ટેન્ટ મૂક્યા બાદ 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગિરધરભાઈ નામના દર્દીના મોત નિપજ્યાં હતા.  

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++