અમદાવાદઃ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડીના બોરીસણા ગામે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 19 દર્દીને અમદાવાદ લાવવામાં આવ્યા હતા. આ પૈકી 7 દર્દીઓમાં કોઇપણ પ્રકારની સંમતિ વિના જ સ્ટેન્ટ પણ લગાવી દેવામાં આવ્યું હતું. જેમાંથી બે દર્દીઓ સ્ટેન્ટ લગાવ્યાના થોડા જ કલાકમાં મૃત્યુ પામ્યા હતા. આ કેસમાં ઓપરેશન કરનારા ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે અન્ય ચાર તબીબોને શોધવામાં આવી રહ્યા છે.
ઘટનાને લઈ બોરીસણાના ગ્રામજનો વિફર્યા હતા અને હાઇવે ચક્કાજામ કર્યો હતો. જેથી રોડ ઉપર બંને સાઈડ વાહનોની લાંબી કતાર લાગી હતી. ઉપરાંત છાજીયા પણ લીધા હતા.
ખ્યાતિ હોસ્પિટલ કેસમાં ડોક્ટર સંજય પટોળિયા સામે ગુનો નોંધવામાં આવ્યો છે તે ડો. સંજય પટોળિયાની રાજકોટમાં અને સુરતમાં આવેલી હોસ્પિટલો સાથે પણ જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. ડો. પટોળીયા રાજકોટના વિદ્યાનગર રોડ પર મનહર પ્લોટ શેરી નંબર 5 માં ન્યુ લાઈફ હોસ્પિટલ ધરાવે છે અને તેઓ દ્વારા આજે 6 સર્જરી પ્લાન કરી હતી જો કે આ સર્જરી રદ કરવા માટે ગઈકાલે સાંજે હોસ્પિટલના સ્ટાફને સૂચના આપી દીધી હતી. જેને લઈ હવે તપાસની કડી રાજકોટ સુધી પહોંચી શકે છે.
તપાસ દરમિયાન એવી વાત પણ સામે આવી છે કે, ખ્યાતિ મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલે ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 2021 હેઠળ રજિસ્ટ્રેશન જ નથી કરાવ્યું. રજિસ્ટ્રેશન કરાવનારી હોસ્પિટલોની ઓનલાઈન ઉપલબ્ધ યાદીમાં ખ્યાતિ હોસ્પિટલનું નામ નથી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/