કોંગ્રેસના ધારાસભ્ય કે.સી વીરેન્દ્રની ધરપકડ, EDના દરોડામાં નોટોનો ઢગલો મળ્યો

06:27 PM Aug 23, 2025 | gujaratpost

નવી દિલ્હી: કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય કે.સી વીરેન્દ્રની મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. EDના દરોડા દરમિયાન કરોડો રૂપિયાની નોટોના બંડલ મળી આવ્યાં છે. સાથે જ એક કરોડ રૂપિયાની વિદેશી ચલણી નોટો અને કરોડો રૂપિયાના ઘરેણાં મળી આવ્યાં છે. તપાસ એજન્સીએ માહિતી આપી છે કે EDના બેંગલુરુ પ્રાદેશિક કાર્યાલયે 22 અને 23 ઓગસ્ટના રોજ ગંગટોક, ચિત્રદુર્ગ, બેંગલુરુ, હુબલી, જોધપુર, મુંબઈ અને ગોવા સહિત 31 સ્થળોએ દરોડા પાડ્યાં હતા. જેમાં કેટલાક કેસિનો પણ શામેલ છે.

કોંગ્રેસના ધારાસભ્યના પરિષરમાં દરોડા

આ કાર્યવાહી ચિત્રદુર્ગ જિલ્લાના ધારાસભ્ય કે.સી વીરેન્દ્ર અને અન્ય લોકો સામે ગેરકાયદેસર ઓનલાઈન અને ઓફલાઈન સટ્ટાબાજીના સંબંધમાં નોંધાયેલા કેસ સાથે જોડાયેલી છે. આરોપી કિંગ 567 ના નામે અનેક ઓનલાઈન સટ્ટાબાજીની સાઇટ્સ ચલાવી રહ્યો છે. આ ઉપરાંત, આરોપીનો ભાઈ કેસી થિપ્પાસ્વામી દુબઈથી 3 કંપનીઓ ચલાવી રહ્યો છે. ડાયમંડ સોફ્ટેક, ટીઆરએસ ટેક્નોલોજીસ, પ્રાઇમ9 ટેક્નોલોજીસ જે કે સી વીરેન્દ્રના કોલ સેન્ટર સેવાઓ અને ગેમિંગ વ્યવસાય સાથે સંબંધિત છે.

12 કરોડ રૂપિયાની રોકડ, કરોડો રૂપિયાના ઘરેણાં જપ્ત

સર્ચ ઓપરેશન દરમિયાન, લગભગ 12 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી છે, જેમાં લગભગ 1 કરોડ રૂપિયાની વિદેશી ચલણ, આશરે 6 કરોડ રૂપિયાના સોનાના ઘરેણાં, 10 કિલો વજનના ચાંદીના ઘરેણાં અને ચાર વાહનોનો સમાવેશ થાય છે. ઉપરાંત, 17 બેંક ખાતા અને 2 બેંક લોકર ફ્રીઝ કરવામાં આવ્યાં છે.કે. સી વીરેન્દ્રના ભાઈ કે.સી નાગરાજ અને તેમના પુત્ર પૃથ્વીના પરિષરમાંથી મિલકત સંબંધિત અનેક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા.  

ED એ આ માહિતી આપી

ED એ જણાવ્યું કે તેના અન્ય સહયોગીઓ, ભાઈ કે સી થિપ્પાસ્વામી અને પૃથ્વી એન રાજ દુબઈથી ઓનલાઈન ગેમિંગ કામગીરી સંભાળી રહ્યાં છે. સહયોગી કે સી વીરેન્દ્ર કેસિનો ભાડે લેવા માટે બાગડોગરા થઈને ગંગટોક ગયો હતો.  

ગુનાની વધુ તપાસ માટે કે.સી. વીરેન્દ્રની ગંગટોકથી ધરપકડ કરવામાં આવી હતી અને તેમને ગંગટોક, સિક્કિમના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યાં હતા અને તેમને બેંગ્લોરની જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કરવા માટે ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવામાં આવ્યાં હતા.આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++