ડોડામાં આતંકવાદીઓ સાથે અથડામણમા 4 જવાનો શહીદ, કાશ્મીર ટાઈગર્સે હુમલાની લીધી જવાબદારી

09:33 AM Jul 16, 2024 | gujaratpost

શ્રીનગરઃ સોમવારે સાંજે જમ્મુ- કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક અધિકારી સહિત ચાર જવાનો મંગળવારે વહેલી સવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન શહીદ થયા છે. આ અથડામણ ત્યારે થઈ જ્યારે રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ના જવાનોએ સોમવારે મોડી રાત્રે ડોડા શહેરથી લગભગ 55 કિલોમીટર દૂર દેસા જંગલ વિસ્તારમાં ધારી ગોટે ઉરારબાગી પર હુમલો કર્યો હતો. સાંજે સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

થોડીવારના ગોળીબાર બાદ આતંકીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. એક અધિકારીની આગેવાની હેઠળના બહાદુર સૈનિકોએ ગાઢ જંગલોમાં તેમનો પીછો કર્યો હતો, રાત્રે  9 વાગ્યાની આસપાસ જંગલમાં બીજું એન્કાઉન્ટર થયું હતું. અધિકારીએ જણાવ્યું કે આ અથડામણમાં પાંચ જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા, તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. જેમાંથી એક અધિકારી સહિત ચાર જવાનો શહીદ થયા છે.

16 આર્મી કોર્પ્સ, જેને વ્હાઇટ નાઈટ કોર્પ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, ડોડામાં એન્કાઉન્ટર વિસ્તારમાં વધારાના સૈનિકો મોકલવામાં આવ્યાં છે. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ડોડા હુમલાની જવાબદારી આતંકી સંગઠન કાશ્મીર ટાઈગર્સે લીધી છે. આ સંગઠન જૈશ-એ-મોહમ્મદનું એક જૂથ છે, જેણે તાજેતરમાં કઠુઆમાં સેનાના કાફલા પર હુમલાની જવાબદારી લીધી હતી. છેલ્લા કેટલાક અઠવાડિયાથી જમ્મુ ક્ષેત્રમાં ઘણા સ્થળોએ આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળો હાઈ એલર્ટ પર છે. 14 જુલાઈના રોજ ભારતીય સેનાએ કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા (LOC) પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવતા ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યાં હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526