ઇઝરાયેલે લેબનોનમાં મચાવી તબાહી, હવાઈ હુમલામાં વધુ 105 લોકોનાં મોત, એક સપ્તાહમાં હિઝબુલ્લાહના સાતમા કમાન્ડરનું મોત

09:48 AM Sep 30, 2024 | gujaratpost

બેરુતઃ હિઝબુલ્લાના ચીફ સૈયદ હસન નસરુલ્લાહના મોત બાદ પણ લેબનોનમાં ઈઝરાયેલનો કહેર અટકી રહ્યો નથી. રવિવારે ઇઝરાયેલે  લેબનોનમાં જોરદાર બોમ્બમારો કર્યો હતો. જેમાં 105 લોકોએ જીવ ગુમાવ્યાં છે. લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયનાં જણાવ્યાં અનુસાર હવાઈ હુમલામાં 359 લોકો ઘાયલ થયા છે. સૌથી વધુ મોત આઈન અલ-ડેલ્બ અને ટાયર વિસ્તારોમાં થયા છે.

કોલા વિસ્તારમાં ઈઝરાયેલનો પહેલો હુમલો

સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે ઈઝરાયેલના હવાઈ હુમલામાં કાના હોસ્પિટલને ભારે નુકસાન થયું છે. આ સિવાય બેકા ઘાટીમાં બાલબેક-હરમેલમાં ઈઝરાયેલના હુમલામાં 33 લોકો માર્યા ગયા અને 97 લોકો ઘાયલ થયા છે. ઇઝરાયેલે લેબનોનના કોલા વિસ્તારમાં પહેલીવાર જોરદાર બોમ્બમારો કર્યો છે. લેબનોન સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં અનુસાર, ઈઝરાયેલના ફાઈટર પ્લેન સતત દેશભરમાં હવાઈ હુમલા કરી રહ્યાં છે.

ઈઝરાયેલે કહ્યું- હિઝબુલ્લાહ પર હુમલા ચાલુ રહેશે

બેરૂતના કોલા જિલ્લામાં થયેલા હવાઈ હુમલામાં પેલેસ્ટાઈન લિબરેશન ફ્રન્ટના ત્રણ નેતાઓ પણ માર્યા ગયા છે. આ સિવાય ઈઝરાયેલની સેનાએ બેકા ઘાટીમાં હિઝબુલ્લાહના ડઝનબંધ સ્થાનો પર હુમલો કર્યો છે. ઇઝરાયેલી સૈન્યએ કહ્યું કે તે હિઝબુલ્લાહ હથિયારોના ડેપોને નિશાન બનાવવાનું ચાલુ રાખશે. લેબનોન સરકારના જણાવ્યાં અનુસાર ઇઝરાયેલના હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં 1,000 થી વધુ લોકોનાં મોત થયા છે અને 6,000 લોકો ઘાયલ થયા છે.

ઈઝરાયેલે એક સપ્તાહની અંદર હિઝબુલ્લાહના સાતમા કમાન્ડરનું મોત થયું છે. આ કમાન્ડરનું નામ નબીલ કૌક હતું. નબીલ હિઝબુલ્લાહની સેન્ટ્રલ કાઉન્સિલના નાયબ વડા હતા. લેબનોન પર ઈઝરાયેલના ભયાનક હુમલાઓ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન ટૂંક સમયમાં ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નૈતન્યાહુ સાથે વાત કરશે. હસન નસરાલ્લાહના મૃત્યું બાદ બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ વાતચીત હશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526