ભયાનક યુદ્ધના ભણકારા, ઈરાન ઈઝરાયેલ પર સીધો હુમલો કરવા જઈ રહ્યું છે, ખામેનીનો આદેશ

10:24 AM Aug 01, 2024 | gujaratpost

તહેરાનઃ મધ્ય પૂર્વ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધ તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. હમાસના વડા ઈસ્માઈલ હાનિયાની ગઈ કાલે ઈરાનની રાજધાની તેહરાનમાં હત્યા કરવામાં આવી છે. ત્યારથી ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે તણાવ વધી ગયો છે. ગયા વર્ષે 7 ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલમાં ભયાનક નરસંહાર કર્યો હતો. ઈઝરાયેલે આ હુમલાના ગુનેગારો સામે બદલો લેવાની વાત કરી હતી. હવે ગઈકાલે હમાસના વડાની હત્યા કરવામાં આવી છે.

બેઠકમાં હુમલાનો આદેશ

ન્યૂયોર્ક ટાઈમ્સે ઈરાની અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે કે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનીએ ઈસ્માઈલ હાનિયાના મોતનો બદલો લેવા ઈરાનને ઈઝરાયેલ પર સીધો હુમલો કરવાનો આદેશ આપ્યો છે. ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલની ઈમરજન્સી બેઠકમાં ખામેનીએ હુમલાનો આદેશ આપ્યો હતો. ખામેનીએ લશ્કરી કમાન્ડરોને યુદ્ધની સ્થિતિમાં હુમલા અને સંરક્ષણ બંને માટે યોજનાઓ તૈયાર કરવા સૂચના આપી છે.

ઈઝરાયેલે જવાબદારી લીધી નથી

ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ગયા વર્ષથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 40 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યાં છે. ઈરાને ઈઝરાયેલ પર હાનિયાની હત્યાનો આરોપ લગાવ્યો છે. જો કે, ઇઝરાયેલે અત્યાર સુધી કોઇ નિવેદન આપ્યું નથી.

ઈઝરાયેલે કહ્યું કે ભારે કિંમત ચૂકવવી પડશે

બીજી તરફ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે જો તેમના દેશ પર કોઈ પણ હુમલો થશે તો તેની ભારે કિંમત ચૂકવવી પડશે. તેહરાનમાં હમાસના વડા ઈસ્માઈલ હાનિયાના હવાઈ હુમલામાં માર્યા ગયા પછી બંને દેશો વચ્ચે તનાવ વધી ગયો છે અને ભયંકર યુદ્ધની સ્થિતી ઉભી થઇ છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526