અમેરિકા-ઇઝરાયેલના વિરોધી ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું હેલિકોપ્ટર ક્રેસ, તેઓ સુરક્ષિત હોવાનો દાવો

10:31 PM May 19, 2024 | gujaratpost

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીને લઈ જઈ રહેલા હેલિકોપ્ટર પૂર્વ અઝરબૈજાન પ્રાંતમાં ક્રેશ થયું છે. પ્રાથમિક માહિતી મુજબ ખરાબ હવામાનને કારણે આ દુર્ઘટના થઇ હોવાનું સામે આવ્યું છે.રાષ્ટ્રપતિની હાલત વિશે કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી, પરંતુ એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેઓ સુરક્ષિત છે અને જમીન માર્ગે તબરીઝ જઈ રહ્યાં છે.

સેનાની ટીમ સ્થળ પર પહોંચવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ ખરાબ હવામાનને કારણે તેમાં અવરોધ આવી રહ્યો છે. ઉતરાણ સ્થળ જંગલ વિસ્તાર છે અને ત્યાં પવન સાથે ભારે વરસાદ અને ધુમ્મસ છે. દેશભરમાં તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. ઈરાનની સરકારી ટીવી અનુસાર, રાયસી પડોશી દેશ અઝરબૈજાનની એક દિવસની મુલાકાતે હતા, જ્યાં તેમણે તેમના સમકક્ષ ઈલ્હામ અલીયેવ સાથે સંયુક્ત રીતે બાંધેલા ડેમનું ઉદ્ઘઘાટન કર્યું હતું.

પરત ફરતી વખતે, તેમના હેલિકોપ્ટરને અઝરબૈજાનની સરહદ પર ઈરાનના પૂર્વ અઝરબૈજાન પ્રાંતમાં સ્થિત શહેર જોલ્ફા પાસે અકસ્માત થયો હતો. આ શહેર રાજધાની તેહરાનથી લગભગ 600 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં આવેલું છે. રાષ્ટ્રપતિના હવાઈ કાફલામાં ત્રણ હેલિકોપ્ટર હતા, જેમાંથી બે સુરક્ષિત છે.

રાષ્ટ્રપતિના હેલિકોપ્ટરમાં દેશના વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયન, પૂર્વ અઝરબૈજાન પ્રાંતના ગવર્નર અને અન્ય અધિકારીઓ પણ  હતા. એક સ્થાનિક સરકારી અધિકારીએ આ ઘટના માટે 'ક્રેશ' શબ્દનો ઉપયોગ કર્યો હતો, પરંતુ સ્વીકાર્યું હતું કે તે હજુ સુધી લેન્ડિંગ સાઇટ પર પહોંચ્યાં નથી. ગૃહ પ્રધાન અહેમદ વાહિદીએ ટીવી પર જણાવ્યું કે બચાવ ટીમો વિસ્તાર તરફ જઈ રહી છે, પરંતુ ખરાબ હવામાન અને ધુમ્મસને કારણે હેલિકોપ્ટર સુધી પહોંચવામાં સમય લાગી શકે છે. 

ઈરાન પાસે ઘણા પ્રકારના હેલિકોપ્ટર છે, પરંતુ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને કારણે ઈરાન માટે તેમના સ્પેરપાર્ટ્સ મેળવવા મુશ્કેલ બની ગયા છે. તેના મોટાભાગના વાયુસેનાના કાફલા પણ 1979 પહેલાના છે. રાયસી એક કટ્ટરપંથી નેતા છે જેણે ભૂતકાળમાં દેશની ન્યાયતંત્રનું નેતૃત્વ કર્યું છે.તેમને દેશના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના શિષ્ય માનવામાં આવે છે અને તેમના અનુગામી તરીકે જોવામાં આવે છે.

નોંધનિય છે કે રાયસી હાલમાં જ ઇઝરાયેલ અને અમેરિકાને અનેક વખતે ધમકીઓ આપી ચુક્યાં છે, ઇરાને ઇઝરાલેય પર હુમલો પણ કર્યો હતો. ત્યારથી બંને દેશો વચ્ચે તનાવ વધી ગયો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526