ઝારખંડઃ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ દાવો કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલા અંગે ગુપ્ત રિપોર્ટ આપવામાં આવ્યો હતો. આ પછી જ તેમનો કાશ્મીર પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો. ઝારખંડના રાંચીમાં રેલીને સંબોધિત કરતી વખતે ખડગેએ દાવો કર્યો હતો કે 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના ત્રણ દિવસ પહેલા વડાપ્રધાન મોદીને ગુપ્ત અહેવાલ મોકલવામાં આવ્યો હતો.
તેમણે કહ્યું કે આ એક ગુપ્તચર તંત્રની નિષ્ફળતા છે. સરકારે તેને સ્વીકારી લીધું છે અને હવે તેઓ તેમાં સુધારો કરશે. જો સરકારને આ વાતની ખબર હતી તો તેમણે કંઈ કેમ ન કર્યું ? મને ખબર પડી કે હુમલાના ત્રણ દિવસ પહેલા પીએમ મોદીને એક ગુપ્ત અહેવાલ મોકલવામાં આવ્યો હતો. આ પછી જ તેમનો કાશ્મીર પ્રવાસ રદ કરવામાં આવ્યો. મેં આ અખબારમાં પણ વાંચ્યું છે.
22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા જ્યારે 17 ઘાયલ થયા હતા. આ હુમલો પહેલગામની બૈસરન ખીણમાં કરવામાં આવ્યો હતો, જેમાં આતંકવાદીઓએ ધર્મ પૂછીને નિર્દોષ નાગરિકોને નિશાન બનાવ્યાં હતા.
પહેલગામ હુમલા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS) એ તાત્કાલિક અસરથી સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી હતી. આ પહેલી વાર છે જ્યારે ભારતે કડક કાર્યવાહી કરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મોટા યુદ્ધો થયા છે પરંતુ આ સંધિ પહેલાં ક્યારેય સ્થગિત કરવામાં આવી નથી.
કેબિનેટ સમિતિની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને જણાવ્યું કે 1960 ની સિંધુ જળ સંધિ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે. આ પ્રતિબંધ ત્યાં સુધી લાગુ રહેશે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારના આતંકવાદને સમર્થન આપવાનું બંધ નહીં કરે. ભારત સરકારે ભારતમાં પાકિસ્તાન સંબંધિત ઘણી યુટ્યુબ ચેનલો પર પણ પ્રતિબંધ મૂક્યો છે. ભારતીય હવાઈ ક્ષેત્ર 23 મે સુધી પાકિસ્તાની વિમાનો માટે બંધ કરવામાં આવ્યું છે. હજુ સરકાર પાકિસ્તાન સામે મોટી કાર્યવાહી કરી શકે છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++