અદાણી જૂથને હચમચાવી નાખનાર શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ બંધ થશે- Gujarat Post

11:21 AM Jan 17, 2025 | gujaratpost

નવી દિલ્હીઃ ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સેબીના ચીફ  માધવી પુરી બુચ સહિત અનેક વિદેશી હસ્તીઓને પોતાનો શિકાર બનાવનાર અમેરિકન શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગે બંધ થઇ રહી છે.

હિંડનબર્ગનું નામ આવે એટલે મનમાં એક જ વિચાર આવે કે હવે કયા દિગ્ગજ ઉદ્યોગપતિની નૈયા ડૂબશે અને હવે કઈ અમીર વ્યક્તિ વિશે સનસનીખેજ દાવાઓ થશે. હકીકતમાં હિંડનબર્ગ દ્વારા પહેલા આવા દાવાઓ અને ત્યારબાદ શોર્ટસેલિંગ દ્વારા મોટી કમાણી કરવાની જોખમી રમત ઘણા સમયથી ચાલી રહી હતી. ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી, સેબીના ચીફ  માધવી પુરી બુચ સહિત અનેક વિદેશી હસ્તીઓને તેણે શિકાર બનાવી હતી. હવે હિંડનબર્ગની રિસર્ચની દુકાન બંધ થવા જઈ રહી છે. હિંડનબર્ગના સ્થાપક નાથન એન્ડર્સને તેની કંપનીને બંધ કરવાનો નિર્ણય લીધો છે.

હિંડનબર્ગના સ્થાપક નાથન એન્ડરસને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરીને માહિતી આપી છે કે ગયા વર્ષના અંતમાં મેં મારા પરિવાર મિત્રો અને મારા ટીમના સભ્યો સાથે હિંડનબર્ગ રિસર્ચ બંધ કરવા વિશે વાતચીત કરી હતી. મારા મનમાં આ કંપની બંધ કરવાના વિચારો ઘણા સમયથી ચાલી રહ્યાં હતા. આખરે હવે મેં નિર્ણય લઇ લીધો છે. હું હિંડનબર્ગ રિસર્ચને બંધ કરી રહ્યો છું.

હિંડનબર્ગના રિસર્ચના અહેવાલોના કારણે ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી મુશ્કેલીમાં મુકાયા હતા. તેમની કંપનીઓના શેરોનુ મોટાપાયે શોર્ટ સેલિંગ થયું હતું, જેની સત્તાવાળાઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જો કે, એન્ડરસનની શોર્ટસેલિંગ ફર્મે અદાણીની નૌકા ડુબાડી અઢળક  કમાણી કરી લીધી હતી.

એન્ડરસને 2023 માં એક અહેવાલ પ્રકાશિત કરીને હલચલ મચાવી દીધી હતી. તેણે અદાણી જૂથ પર કોર્પોરેટ ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ ચલાવવાનો આક્ષોપ કર્યો હતો. તે સમયે ગૌતમ અદાણી વિશ્વના ચોથા સૌથી અમીર વ્યક્તિ હતા. એ સમયે ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે અદાણી જૂથ વિરુદ્ધ હિંડનબર્ગનો રિપોર્ટનો હેતુ માત્ર અદાણી જૂથને અસ્થિર કરવાનો અને ભારતને વિશ્વમાં બદનામ કરવાનો છે.

એન્ડરસન તેની હિંડનબર્ગને શા માટે બંધ કરી રહ્યાં છે તેના પર કંઇ જણાવ્યું નથી, પરંતુ આ રિસર્ચ કંપનીને બંધ કરી રહ્યાં છે. તેમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા નથી તેમને કોઈ વ્યક્તિગત સમસ્યા નથી. તેમને કોઈ એવો કોઈ જોખમ કે ખતરો પણ નથી પરંતુ તેમણે જે ઉદ્દેશ નક્કી કર્યો હતો તે પૂરો થઇ ગયો હોવાથી તેઓ તેમની કંપનીને બંધ કરી રહ્યાં છે. મારા જીવનના એક અધ્યાયને હવે હું સમાપ્ત કરવા માંગુ છું, એમ તેમણે જણાવ્યું હતું.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++