ગુજરાતના આ જિલ્લાઓમાં વીજળીના ચમકારા સાથે વરસશે મેઘો, IMDએ જારી કર્યું ભારે વરસાદનું એલર્ટ

11:08 AM Jul 12, 2024 | gujaratpost

વડોદરાઃ ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. સાયક્લોનિક સરક્યુલેશન અને ઓફશોર ટ્રફને કારણે  દક્ષિણ ગુજરાત સહિત મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  

હવામાન વિભાગે માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયામાં ન જવા ચેતવણી આપી છે. દરિયાઇ વિસ્તારોમાં પવનની ગતિ 40-50 કિલોમીટર પ્રતિ કલાક રહેવાનો અંદાજ છે. અમદાવાદ હવામાન વિભાગે જણાવ્યું હતું કે, કચ્છમાં જે સિસ્ટમ સક્રિય હતી, તે લો પ્રેશરમાં ફેરવાઈ જવાને કારણે જેટલો વરસાદ અપેક્ષિત હતો તેટલો થયો નથી. પરંતુ આ વખતે એક સાથે બે સિસ્ટમ એક્ટિવ હોવાથી બધે સારો વરસાદ થવાની ધારણા છે.

હવામાન વિભાગે 12 જુલાઈએ અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. 13 જુલાઈએ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

પાટનગર ગાંધીનગરમાં 15 જુલાઇ સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. IMDના જણાવ્યાં અનુસાર આ સમગ્ર સપ્તાહમાં ગાંધીનગરનું મહત્તમ તાપમાન 33 થી 35 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 26 થી 28 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે. 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526