Fact Check: અગ્નિપથ યોજનામાં બદલાવનો દાવો કરનારી વાયરલ પોસ્ટ નકલી છે, આ છે સત્ય

11:19 AM Jun 19, 2024 | gujaratpost

Gujarat Post Fact Check News: સોશિયલ મીડિયા પર એક મેસેજ શેર કરવામાં આવી રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે નવી મોદી સરકારે ભારતીય સશસ્ત્ર દળોમાં ભરતી માટે અગ્નિપથ યોજનાને ફરીથી લોંચ કરવાની જાહેરાત કરી છે. જેમાં વધુમાં દાવો કરવામાં આવ્યો છે કે યોજનામાં ફેરફારની વધતી જતી માંગ વચ્ચે, સમીક્ષા પછી, અગ્નિપથ યોજનાને સૈનિક સન્માન યોજનામાં બદલવામાં આવી છે.

યોજનામાં કથિત ફેરફારોની વિગતો પણ આપવામાં આવી છે, જેમ કે સેવાનો સમયગાળો ચાર વર્ષથી વધારીને સાત વર્ષ કરવો, તાલીમનો સમયગાળો 24 અઠવાડિયાથી વધારીને 42 અઠવાડિયા કરવો, મૃતકના પરિવારોને પેન્શન આપવું વગેરે. અગ્નિપથ યોજનામાં સુધારા દર્શાવવાનો દાવો કરતા દસ્તાવેજની તસવીર ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર વાયરલ થઈ રહી છે. જો કે, અમારા ફેક્ટ ચેક દરમિયાન જાણવા મળ્યું છે કે આ દાવો નકલી છે અને કેન્દ્રની મોદી સરકાર દ્વારા હજુ સુધી આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

ભારતીય સશસ્ત્ર દળોમાં યુવાનોની ભરતી માટે જૂન 2022માં અગ્નિપથ યોજના શરૂ કરવામાં આવી હતી.પસંદ કરાયેલા "અગ્નિવીર" ચાર વર્ષના સમયગાળા માટે સૈન્ય દળોમાં સેવા આપે છે,પછી તેમાંથી 25% સુધી નિયમિત કેડર તરીકે ભરતી કરવામાં આવે છે. આ નિર્ણયને કારણે દેશમાં અનેક વિરોધ પ્રદર્શનો થયા હતા, જેમાં લશ્કરી ઉમેદવારોએ અગ્નિપથ યોજનાને રદ કરવાની માંગ કરી, ખાસ કરીને બિહારમાં સરકાર વિરોધી પ્રદર્શન થયા હતા અને કોંગ્રેસ સહિતની પાર્ટીઓએ પણ યુવાનોને સપો્ર્ટ કરીને મોદી સરકારનો વિરોધ કર્યો હતો.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526