Part-1- IRS સમીર વકીલ જ્યાં બેસે છે તે ઓફિસથી જ હેન્ડલ થાય છે આ કૌભાંડ ! શામળાજી ટેક્સ ચોરી કૌભાંડમાં એક મહિલા અધિકારીના રોલની તપાસ જરૂરી

08:43 PM Jun 14, 2024 | gujaratpost

(સ્ટોરીઃ મહેશ.R પટેલ, એડિટર)

કરોડો રૂપિયાના માલની બિલો વગર જ હેરાફેરી થઇ રહી છે

શું ઉચ્ચ અધિકારીઓ પણ હપ્તા લે છે !

ગાંધીનગર નાણાં વિભાગના અધિકારીઓ કેમ મૌન છે ?

અમદાવાદઃ રાજ્યમાં જીએસટીના ખોટા બિલો અને બિલ વગર ગાડીઓમાં માલની હેરાફેરીનું કરોડો રૂપિયાનું કૌભાંડ ચાલી રહ્યું છે, છેલ્લા 5 મહિનામાં સ્ટેટ જીએસટી વિભાગે સારી કામગીરી કરીને અનેક બોગસ બિલિંગના આરોપીઓને જેલ ભેગા કર્યાં છે, અહીં નવાઇની વાત એ છે કે હજારો કરોડ રૂપિયાના બિલિંગના કૌભાંડો થઇ ગયા તેમ છંતા કોઇ રાજ્ય સરકારનો અધિકારી તેના માટે જવાબદાર નથી, સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયાની આઇટીસી જતી રહી અને આ અધિકારીઓએ શું રિકવર કર્યું તે પણ મોટો સવાલ છે. સ્ટેટ જીએસટી વિભાગની સારી વાત એ પણ છે કે તેમને ભાવનગર, સુરત, અમદાવાદ સહિતના શહેરોમાંથી અનેક આરોપીઓને જેલ ભેગા કરતા બિલિંગના કૌભાંડો ઓછા થયા છે, પરંતુ અહીં બીજા કૌભાંડો જોરદાર રીતે ચાલી રહ્યાં છે અને કેટલાક લોકો તેમાંથી ખિસ્સા ભરી રહ્યાં છે.

શામળાજીના એક માફિયા અને સ્ટેટ જીએસટીના અધિકારીઓના સંબંધોની તપાસ જરૂરી

રાજસ્થાનને અડીને આવેલા શામળાજીમાંથી દરરોજ હજારો ટ્રકો માલસામાન લઇને પસાર થાય છે, આ ટ્રકોમાં એવી પણ ટ્રકો હોય છે કે જેઓ બિલ વગર જ માલની હેરાફેરી કરી છે, અહીનો એક માફિયા અધિકારીઓ સાથે મળીને કરોડો રૂપિયાની ટેક્સ ચોરી કરાવી રહ્યો છે અને અધિકારીઓને હપ્તા આપી રહ્યો છે, (આ માફિયા ભાવનગરની જેલની હવા ખાઇને આવ્યો છે) તે એમ પણ કહી રહ્યો છે કે અમદાવાદ ઓફિસમાં અમારા મેડમ છે ત્યાં સુધી મારું કોઇ કંઇ ઉખાડી શકશે નહીં, દરરોજ આ વ્યક્તિ અને તેના મરતિયાઓ બોર્ડર આસપાસ હોય છે અને બિલ વગરની ગાડીઓની અવર જવર કરાવે છે, અન્ય લોકોના નામે ફોનનો ઉપયોગ કરીને પોતાનું નામ બદલીને બીજા સ્ટેટના વેપારીઓ સાથે આ ડીલ કરી રહ્યો છે. આ કૌભાંડમાં શામળાજી મોબાઇલ સ્કવોર્ડમાં નોકરી કરતા અધિકારીઓના મોબાઇલ ડેટા અને અન્ય વિગતોની તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાની ટેક્સ ચોરીનું કૌભાંડ સામે આવે તેમ છે.

તમાકુ- ગુટખાની ગાડીઓનું સૌથી મોટું કૌભાંડ ગુજરાતમાં

જો ગુજરાત સરકાર આ કૌભાંડની ઉંડી તપાસ કરાવે તો ગુજરાત પોસ્ટ ન્યૂઝ તમામ માહિતી સરકાર સમક્ષ રજૂ કરવા તૈયાર છે, અમારી પાસે જે ટ્રાન્સપોર્ટસ અને ખોટી પેઢીઓના નામો છે તે અમે સરકાર સમક્ષ રજૂ કરી શકીએ છીએ, શામળાજીથી રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી સહિત માલની હેરાફેરી થતી હોય છે, તેમાં ખાસ કરીને તમાકુ-ગુટખામાં ઉંચો ટેક્સ હોવાથી આ ગાડીઓ બિલ વગર જ જઇ રહી છે, જેમાં સ્ટેટ જીએસટીની ઓફિસમાં બેઠેલા એક અધિકારીની મદદ આ કૌભાંડીઓને મળી રહી છે. તે વાત અમે સાબિત કરી દઇશું.

ભાવનગર, અમદાવાદના રખિયાલ, ઓઢવથી અનેક સ્ક્રેપ અને સળિયાની ગાડીઓ નીકળે છે

ખાસ કરીને ભાવનગર, સુરત, રખિયાલ, ઓઢવથી સ્કેપ અને સળિયાની ગાડીઓ શામળાજી નજીકના વિસ્તારમાં નીકળે છે, વિજાપુર, મેઘરજ, મોડાસા, હિંમતનગર જેવા વિસ્તારોમાં આ માલ જતો હોય છે અને ભૂતકાળમાં પણ આ માલ લેનારાઓ અને વેંચનારાઓ ટેક્સ ચોર સાબિત થયા છે, તેમ છંતા અધિકારીઓની મદદથી તેઓ આજે પણ ટેક્સ ચોરી કરી રહ્યાં છે, ખાસ કરીન સ્ક્રેપની ગાડીઓમાં 18 ટકાથી 28 ટકાની ટેક્સ ચોરી થતી હોય છે, શામળાજી મોબાઇલ સ્કવોર્ડના અધિકારીઓ માફિયાની મારફતે આ ગાડીઓને જવા દે છે, અને અહીં આ માફિયા કહે છે તે જ થાય છે. આ માફિયાએ આ જ ભ્રષ્ટ અધિકારીઓની સાથે રહીને કરોડો રૂપિયાની સંપત્તિ બનાવી છે, જેના પુરાવા પણ અમારી પાસે છે.

આ રહ્યાં પુરાવા, શું સ્ટેટ જીએસટીના કમિશનર કાર્યવાહી કરશે ?

ગાંધીનગરનો નાણાં વિભાગ ચૂપ જ બેઠો છે, તેમના નાક નીચે જ આ સમગ્ર કૌભાંડ થઇ રહ્યું છે, જો જવાબદારી નક્કિ કરીને આ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવે તો વર્ષે કરોડો રૂપિયાની જીએસટીની આવક ભૂપેન્દ્ર પટેલની સરકારી તિજોરીમાં થઇ શકે છે. શામળાજીથી ગુજરાતમાં જે ગાડીઓ ટેક્સ વગર પસાર થાય છે, તેમાં મોટા મોટા ટ્રાન્સપોર્ટર અને પેઢીઓના માલિકોની સંડોવણી છે, જો ગુજરાત નાણાં વિભાગ કે પછી અન્ય એજન્સી અજય ગોલ્ડન, ગો ટ્રાન્સપોર્ટ, એન.આર ટ્રાન્સપોર્ટ, જામ જ્યુપીટર જેવા ટ્રાન્સપોર્ટર અને તેમાં જે પેઢીઓનો માલ જાય છે તેવી પેઢીઓની તપાસ કરે છે તો આ કૌભાંડનો પર્દાફાશ થશે, આ ટેક્સ ચોરીનો આંકડો કરોડોમાં હશે, આ બધી ગાડીઓમાં બિલ વગરની સિગારેટ, તાનસેન, સિલ્વર, તમાકુ, જીરૂં, સ્ક્રેપ, સળિયા, બ્લેક પેપર, સોપારી જેવી અનેક વસ્તુઓની હેરાફેરી સંપૂર્ણ ગેરકાયદેસર રીતે થઇ રહી છે.

કરોડો રૂપિયાનું હપ્તારાજ, કૌભાંડીઓને મદદ કરનાર મેડમ કોણ ?

શામળાજી બોર્ડર પરથી ગાડીઓની હેરાફેરી અધિકારીઓના હપ્તારાજ સિવાય શક્ય જ નથી, કરોડો રૂપિયાનો ધૂમોડા જે મોબાઇલ સ્કવોર્ડ પાછળ કરવામાં આવે છે તે મોબાઇલ સ્કવોર્ડના અધિકારીઓ જ આ ગોરખધંધા કરાવી રહ્યાં છે, હજુ સુધી આ અધિકારીઓ સામે કોઇ કાર્યવાહી કરાઇ નથી. અહીંની ગાડીઓના સીટીટીવી અને મોબાઇલના ડેટાની ઉંડી તપાસ કરવામાં આવે તો ઓછામાં ઓછા 8 અધિકારીઓ સસ્પેન્ડ થઇ શકે છે. સાથે જ શામળાજીથી ટેક્સ માફિયાનું અમદાવાદની આશ્રમ રોડ પર આવેલી ઓફિસમાં જે કનેક્શન છે તેની પણ તપાસ થવી જોઇએ, મેડમ કોણ છે જેઓ આ ટેક્સ ચોરીને પ્રોત્સાહન આપે છે, તેમની પણ ગાંધીનગર નાણાં વિભાગે તપાસ કરવી જોઇએ.

ભૂપેન્દ્ર પટેલની સરકાર બન્યાં પછી ટેક્સ ચોરીમાં વધારો, અધિકારીઓ બેફામ

રાજ્યમાં જ્યારથી ભૂપેન્દ્ર પટેલની સરકાર બની છે ત્યારથી દરેક બોર્ડર પર ટેક્સ ચોરી વધી છે, ખાસ કરીને શામળાજીમાં અધિકારી-કર્મચારીઓ બેફામ બન્યાં છે, મહિને લાખો રૂપિયાનું હપ્તારાજ ચાલી રહ્યું છે, સ્ટેટ જીએસટીનો ચાર્જ જેની પાસે છે તેવા જીએસટી કમિશનર સમીર વકીલે બિલિંગનું કૌભાંડ ઝડપી પાડવા જે કામગીરી કરી છે તેવી જ કામગીરી મોબાઇલ સ્વોર્ડના લાંચિયા અધિકારીઓ સામે થાય તે જરૂરી છે. તો જ સરકારી તિજોરીને થતું નુકસાન અટકશે. જો કે ઘણા કિસ્સાઓમાં સીએમઓ સુધી આ કૌભાંડોની પુરતી માહિતી ન હોવાથી પણ કાર્યવાહી અટકી જતી હોય છે.

(બીજા ભાગમાં વધુ ટ્રાન્સપોર્ટર, પેઢીઓના નામો અને એક JC લેવલના અધિકારી ગુટખાની હેરાફેરીમાં કૌભાંડીઓને અમદાવાદ ઓફિસમાં બેઠા બેઠા કેવી મલાઇ ખાય છે તેનો અમે પર્દાફાશ કરીશું) 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526