અમદાવાદમાં વરસાદની જોવાતી રાહ, વલસાડમાં 6 ઈંચથી પાણીપાણી, જાણો 24 કલાકના આંકડા- Gujarat Post

10:58 AM Jul 13, 2024 | gujaratpost

(Image Source: @IMDAHMEDABAD

રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 26.32 ટકા વરસાદ

સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 36.29 ટકા વરસાદ વરસ્યો

રાજ્યના 18 જિલ્લા એવા છે જ્યાં વરસાદની 20 ટકાથી પણ વધુ ઘટ છે

અમદાવાદઃ આખા ગુજરાતમાં હાલ ચોમાસામાં જોઈએ તેવો વરસાદ પડી રહ્યો નથી. જો કે દક્ષિણ ગુજરાત પર મેઘરાજા મહેરબાન થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વલસાડમાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ વરસ્યો છે. ગણદેવીમાં સાડા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

પારડીમાં 4.5 ઈંચ, વાપીમાં 4 ઈંચ, ઉમરગાંવમાં 3 ઈંચથી વધુ, ધરમપુરમાં 3 ઈંચ અને કપરાડામાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.ચીખલી અને જલાલપોરમાં 4-4 ઈંચથી વધુ અને વાંસદામાં દોઢ ઈંચ કરતા વધુ પડ્યો હતો. રાજ્યના છ જિલ્લામાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યુ છે. દક્ષિણ ગુજરાત અને બે સંઘ પ્રદેશમાં આજે  ભારે વરસાદ વરસી શકે છે.

ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ધોધમાર વરસાદ પડી શકે છે. કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરંબદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, નર્મદા અને વડોદરામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહીને પગલે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526