- શિક્ષણ વિભાગનો મહત્વનો પરિપત્ર
- સીધી ભરતી, બઢતી અને ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ત્રિપાંખીયો વ્યૂહ
- વર્ષોથી રાહ જોતા ઉમેદવારોમાં ખુશીનો માહોલ
ગાંધીનગર: ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં લાંબા સમયથી ખાલી પડેલી મુખ્ય શિક્ષક (વર્ગ-3)ની જગ્યાઓ હવે ખૂબ જ ઝડપથી ભરાશે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે HTAT (હેડ ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ) પાસ ઉમેદવારો માટે ભરતી પ્રક્રિયાને સત્તાવાર રીતે મંજૂરી આપી દીધી છે. આ અંગે શિક્ષણ વિભાગ દ્વારા એક સત્તાવાર પરિપત્ર જાહેર કરીને જિલ્લા કક્ષાએ તાત્કાલિક ધોરણે ભરતી પ્રક્રિયા શરૂ કરવા માટેની કડક સૂચનાઓ આપવામાં આવી છે.
શિક્ષણ વિભાગના પરિપત્રમાં જણાવ્યાં અનુસાર, રાજ્યભરમાં કુલ 1808 મુખ્ય શિક્ષક વર્ગ-3 ની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.આ ભરતી પ્રક્રિયા 1:1:2 ના નિયત ગુણોત્તર મુજબ હાથ ધરવામાં આવશે, જેમાં ત્રણ અલગ-અલગ માધ્યમો સીધી ભરતી, બઢતી, ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાનો સમાવેશ થાય છે.
વિભાગે સ્પષ્ટતા કરી છે કે ભરતી પ્રક્રિયા દરમિયાન મંજૂર કરાયેલ અંદાજપત્રની મર્યાદા જળવાઈ રહે તે બાબતે જિલ્લા તંત્રએ ખાસ તકેદારી રાખવાની રહેશે. પરિપત્રમાં વધુમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, વર્ષ 2025-26ના અંદાજપત્રમાં આ ભરતી માટેની જરૂરી નાંણાંકીય જોગવાઈ અગાઉથી જ કરી દેવામાં આવી હતી. આ 1808 જગ્યાઓની ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, શાળાઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નવી જગ્યાઓ ઊભી કરવા માટે સરકાર સમક્ષ એક અલગથી દરખાસ્ત પણ રજૂ કરવામાં આવશે.
સરકારના આ મહત્વના નિર્ણયથી રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં લાંબા સમયથી ઇન્ચાર્જ આચાર્યોના આધારે ચાલતી વહીવટી અને શૈક્ષણિક કામગીરીને મોટી રાહત મળશે અને શાળાઓને કાયમી મુખ્ય શિક્ષકો મળશે. બીજી તરફ, HTAT પરીક્ષા પાસ કરીને વર્ષોથી કાયમી ભરતીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા હજારો ઉમેદવારોમાં પણ આ નિર્ણયને પગલે ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.