સનસનીખેજ બનાવ, રાજકોટમાં જમીન પરના ધિરાણ મામલે પૌત્રએ જ કરી દાદાની હત્યા

06:34 PM May 26, 2026 | gujaratpost

(હત્યારો પૌત્ર)

  • ખેતીની જમીનનું ધિરાણ ભરવા બાબતે થઇ હતી બોલાચાલી

રાજકોટ: રૈયા ધાર પાસે આવેલા શાંતિનગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જમીન પર લીધેલું ધિરાણ (લોન) ભરપાઈ ન કરવા બાબતે થયેલી ઉગ્ર બોલાચાલીમાં પૌત્રએ જ પોતાના સગા દાદાની હત્યા કરી નાખી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પૌત્ર મોહિત મિયાત્રાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતક અરજણભાઇ મિયાત્રા (ઉં.વ. 73) શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતા હતા અને તેમની પાસે ખેતીની જમીન હતી.આરોપી પૌત્ર મોહિતના પિતાનું થોડા વર્ષો પહેલાં અવસાન થયું હતું અને તે દાદાથી અલગ રહેતો હતો. તેણે દાદા પાસે ખેતી કરવા માટે જમીન માંગી હતી, જેથી દાદાએ તેને થોડી જમીન વાવવા આપી હતી. ત્યાર બાદ રૂપિયાની જરૂરિયાત ઊભી થતાં દાદાની સંમતિથી જમીન પર 2.50 લાખનું ધિરાણ લેવામાં આવ્યું હતું.

પૌત્રએ તેમાંથી 1.54 લાખ જેવી રકમ ભરપાઈ કરી હતી, પરંતુ બાકીની રકમ ચૂકવવામાં આનાકાની કરતો હોવાથી દાદા-પૌત્ર વચ્ચે લાંબા સમયથી ઝઘડા ચાલતા હતા. 25 મેની સવારે આરોપી મોહિત મિયાત્રા દાદા અરજણભાઈના ઘરે ગયો હતો. ત્યાં ધિરાણની રકમ બાબતે બંને વચ્ચે ફરી ઉગ્ર બોલાચાલી થઈ હતી. 

ગુસ્સામાં આવીને મોહિતે, પ્રથમ દાદાને જોરદાર ધક્કો માર્યો. ત્યાર બાદ ફળિયામાં પડેલી રેંકડી પર તેમને પછાડ્યાં હતા અને અંતે ઓસરીમાં પડેલું લોખંડનું ટેબલ અને પેવર બ્લોક માથાના ભાગે ફટકારી દાદાને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

આરોપી પૌત્રએ ગુનો છુપાવવા માટે પ્લાન ઘડ્યો હતો. હત્યા કર્યા બાદ તેણે પોતાના ફુવાને ફોન કરીને ખોટું બોલ્યો કે, હું દાદાના ઘરે આવ્યો ત્યારે દાદા ડેલી ખોલતા સમયે અચાનક ઠેસ વાગવાથી પડી ગયા છે અને ઈજા થઈ છે. દાદાને હોસ્પિટલ લઈ જવાયા જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જ્યારે હોસ્પિટલના સ્ટાફે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની વાત કરી, ત્યારે પૌત્ર મોહિતે પીએમ કરાવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો અને કહ્યું કે દાદા મારી સામે જ પડી ગયા છે, આમાં કોઈ શંકા નથી.

વૃદ્ધના શરીર પર ઈજાના શંકાસ્પદ નિશાન હોવાથી યુનિવર્સિટી પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસે દાદાને હોસ્પિટલ લાવનાર પૌત્ર મોહિત અને અન્ય સંબંધીઓની કડક પૂછતાછ હાથ ધરી. પોલીસની આગવી ઢબની સઘન પૂછપરછ સામે આરોપી પૌત્ર વધુ સમય ટકી શક્યો નહીં અને આખરે ભાંગી પડીને પોતાનો ગુનો કબૂલી લીધો હતો.