ગાંધીનગરઃ કલોલના છત્રાલમાં ચાર મહિલા હોમગાર્ડ અને એક પુરૂષ હોમગાર્ડ પર એસિડ એટેક કરવામાં આવ્યો છે. જેમાં એક મહિલા હોમગાર્ડ વધુ દાઝી ગયા છે. જેમને ગાંધીનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. એસિડ એટેક કરનાર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. અશોક રાવત નામનો એક રિક્ષાચલક એસિડની બોટલ ભરીને આવ્યો હતો અને એકસાથે ચાર મહિલા હોમગાર્ડ અને એક પુરૂષ હોમગાર્ડ પર એસિડ ફેંકીને ભાગી ગયો હતો.
કલોલના છત્રાલ ઓવરબ્રિજ નીચે હોમગાર્ડ જવાનો ટ્રાફિક સંચાલનમાં ફરજ બજાવી રહ્યા હતા. આ દરમિયાન એક રિક્ષા વચ્ચે હોવાથી ભાવનાબેન નામના મહિલા હોમગાર્ડે તેને ત્યાંથી રિક્ષા ખસેડી દેવા જણાવ્યું હતું. અન્ય હોમગાર્ડ જવાનો પણ આવતા રિક્ષાચાલકને પોલીસ મથકે લઈ જવાયો હતો. બાદમાં તેને જરૂરી સુચનાઓ આપીને જવા દેવામાં આવ્યો હતો.
આ વાતની અદાવત રાખીને રિક્ષાચાલક થોડીવાર પછી એસિડ ભરેલી બોટલ લઈને આવ્યો હતો અને ચાર મહિલા હોમગાર્ડ અને એક પુરૂષ હોમગાર્ડ પર એસિડ ફેંકીને ભાગી ગયો હતો. હુમલામાં ભાવનાબહેન નામના મહિલા હોમગાર્ડ મોંઢા સહિત શરીરના ઘણાં ભાગે દાઝી ગયા છે, જેમની હાલ ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને રિક્ષાચાલકની ધરપકડ કરવામાં આવી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/