ગાંધીનગરઃ ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ ભ્રષ્ટાચાર સામે લાલ આંખ કરી છે. એક પછી ભ્રષ્ટ બાબુઓ સામે કાર્યવાહી થઇ રહી છે. રાજ્ય ગુપ્તચર વિભાગ (SIB) ના એક અધિકારી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરાઇ છે. સાણંદના સિનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર કેતન ગીરીશભાઈ દવે 80 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા બાદ હતા, હવે તેમના બેંક લોકરમાંથી લાખો રૂપિયાની અપ્રમાણસર મિલકતના પુરાવા મળ્યાં છે.
17 માર્ચના રોજ મહેસાણા એસીબી દ્વારા ગાંધીનગરની ખાનગી બેંકના લોકરની તપાસ કરવામાં આવી હતી, જેમાં અધિકારીની આવક કરતા વધુ સંપત્તિનો પર્દાફાશ થયો છે. એસીબીએ આપેલી સત્તાવાર જાણકારી મુજબ અધિકારીના બેન્ક લૉકરમાંથી 346 ગ્રામ સોનું, 2 કિલો 536 ગ્રામ ચાંદીના દાગીના, તેમજ સોનાના સિક્કા, બિસ્કિટ અને રોકડ મળીને રૂ. 51,82,444 ની સંપત્તિ મળી છે.
આરોપી અધિકારી અમદાવાદ રિજીયનના સાણંદમાં સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરોની કચેરીમાં વર્ગ-2 ના અધિકારી તરીકે ફરજ બજાવતો હતો. ત્રણ દિવસ પહેલા સિનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર કેતન ગીરીશભાઈ દવેએ એક નાગરિકના પોલીસ પ્રોટેક્શનને રીન્યું કરવા માટે પોઝિટિવ અભિપ્રાય આપવાના બદલામાં 80,000 રૂપિયાની માંગણી કરી હતી, જે રકમ સ્વીકારતા જ ACB ની ટીમે તેને ઝડપી લીધો હતો.