એક જ પરિવારના ત્રણ લોકોની અંતિમ યાત્રા નીકળતાં ગામ હીબકે ચડ્યું
6 લોકો હજુ ગુમ છે, તેમની શોધખોળ થઇ રહી છે
વડોદરાઃ બુધવારે વહેલી સવારે 7:30 વાગ્યાની આસપાસ ગંભીરા બ્રિજ તૂટી પડ્યો હતો. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થતી બે ટ્રક, બે પિકઅપ અને એક રિક્ષા સહિતના વાહનો મહીસાગર નદીમાં ખાબક્યાં હતાં. આ દુર્ઘટનામાં 14 લોકોનાં મોત થયા છે, જ્યારે 8થી વધુ લોકોને રેસ્ક્યૂં કરી બચાવી લેવાયા હતા. ગઇકાલે 13 લોકોના અને આજે (10 જુલાઈ) વહેલી સવારે NDRFના સર્ચ ઓપરેશન દરમિયાન વધુ એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યો હતો. હજુ પણ છ લોકો ગુમ હોવાનું સામે આવ્યું છે અને નદીમાં રેસ્ક્યૂં ઓપરેશન ચાલી રહ્યું છે. આમ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 14 લોકોનાં મોત થયા છે.
વડોદરાના મુજપુર ગામના એક જ પરિવારના ત્રણ સભ્યોના આ દુર્ઘટનામાં મોત નીપજ્યાં છે. પિતા, દીકરો અને દીકરીની એક સાથે અંતિમયાત્રા નીકળતાં મુજપુર ગામ હિબકે ચડ્યું હતું. પિતા રમેશભાઈ, દીકરો નૈતિક અને દીકરી વૈદિકા ત્રણેય બગદાણા બાધા પુરી કરવા જતાં હતાં અને રસ્તામાં જ કાળને ભેટી ગયા હતાં.
ગઈકાલે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર અને આણંદ જિલ્લાના ગંભીરા ગામને જોડતો તેમજ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સાથેનો સંપર્ક ધરાવતા મહી નદી પરના બ્રિજના બે પિલર વચ્ચેનો સ્પાન ધડાકાભેર તૂટી પડતાં વાહનો નદીમાં ખાબક્યા હતા. આ બ્રિજ 40 વર્ષ જૂનો હતો અને ખખડધજ થઈ ગયો હતો. ગંભીરા બ્રિજ તૂટી પડ્યા બાદ હવે સમગ્ર ગુજરાતમાં અનેક જૂના, જર્જરિત અને જોખમી પુલ ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/