નવી દિલ્હીઃ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) વિભાગે ચાલુ નાણાંકીય વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 15,851 કરોડ રૂપિયાના ખોટા ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) દાવા શોધી કાઢ્યાં છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતા 29% વધુ છે, અધિકારીઓએ જણાવ્યું કે આ વર્ષે પણ નકલી કંપનીઓ ઝડપાઇ છે.
પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન સેન્ટ્રલ અને રાજ્ય GST વિભાગે અનેક કંપનીઓ શોધી કાઢી છે, જેમાં આ ગોટાળા થયા છે.
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતની આગેવાની હેઠળ રાજ્યના નાણામંત્રીઓની એક પેનલ હાલમાં ચોક્કસ ક્ષેત્રોમાં કરચોરીનો અભ્યાસ કરી રહી છે અને ITC છેતરપિંડી રોકવાના રસ્તાઓ પર વિચાર કરી રહી છે.
એક અધિકારીએ જણાવ્યું કે, દર મહિને સરેરાશ 1,200 નકલી કંપનીઓ શોધી કાઢવામાં આવી રહી છે. એપ્રિલ-જૂન સમયગાળામાં નકલી કંપનીઓની સંખ્યા ગયા વર્ષ કરતા ઓછી છે, જે દર્શાવે છે કે નકલી GST નોંધણીઓ સામેની ઝુંબેશ અસરકારક રહી છે.
જૂન ક્વાર્ટર દરમિયાન કેન્દ્રીય અને રાજ્ય GST સત્તાવાળાઓ દ્વારા શોધાયેલી નકલી કંપનીઓ અને ITC છેતરપિંડીના ડેટા અનુસાર, 3,558 નકલી કંપનીઓમાં રૂ. 15,851 કરોડની છેતરપિંડી થઇ છે. આ સમયગાળા દરમિયાન, GST અધિકારીઓએ 53 વ્યક્તિઓની ધરપકડ કરી છે અને રૂ. 659 કરોડ વસૂલ કર્યા છે.
નાણાકીય વર્ષ 25 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં, GST અધિકારીઓએ 3,840 નકલી કંપનીઓ સાથે જોડાયેલા 12,304 કરોડના છેતરપિંડીભર્યા ITC શોધી કાઢ્યાં હતા. રૂ. 549 કરોડ વસૂલ કરવામાં આવ્યા હતા અને 26 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
GST શાસન હેઠળ, ITC એ સપ્લાયર્સ પાસેથી કરેલી ખરીદી પર વ્યવસાયો દ્વારા ચૂકવવામાં આવતા કરનો ઉલ્લેખ કરે છે. આ કરનો દાવો અંતિમ આઉટપુટ ટેક્સ ચૂકવતી વખતે ક્રેડિટ અથવા કપાત તરીકે કરી શકાય છે.નકલી ITCનો સામનો કરવો એ GST વહીવટીતંત્ર માટે એક મોટો પડકાર રહ્યો છે કારણ કે કૌભાંડીઓ ફક્ત ITCનો દાવો કરવા અને સરકારી તિજોરીને છેતરવા માટે નકલી કંપનીઓ બનાવે છે.
વર્ષ 2024-25 દરમિયાન, GST અધિકારીઓએ રૂ. 61,545 કરોડની છેતરપિંડી શોધી કાઢી હતી.
6 મે, 2023 થી 15 જુલાઈ, 2023 વચ્ચે નકલી નોંધણીઓ સામેની પહેલી ઝુંબેશમાં, GST નોંધણી ધરાવતી કુલ 21,791 એન્ટિટી અસ્તિત્વમાં ન હોવાનું જાણવા મળ્યું. ગયા વર્ષે પહેલી ખાસ ઝુંબેશ દરમિયાન 24,010 કરોડ રૂપિયાની શંકાસ્પદ કરચોરી શોધી કાઢવામાં આવી હતી.
16 એપ્રિલથી 30 ઓક્ટોબર, 2024 સુધી ચાલેલી બીજી ઝુંબેશમાં, જીએસટી અધિકારીઓએ જીએસટી હેઠળ નોંધાયેલી લગભગ 18,000 નકલી કંપનીઓ શોધી કાઢી છે, જે લગભગ રૂ.25,000 કરોડની કરચોરીમાં સંડોવાયેલી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++