રાજ્યમાં નાણાંકીય વર્ષની લોહીયાળ વિદાય, જાણો અકસ્માતની બે ઘટનાઓ વિશે - Gujarat Post

12:35 PM Apr 01, 2025 | gujaratpost

સાયલાઃ રાજ્યમાં અકસ્માતનો સિલસિલો યથાવત છે. નાણાકીય વર્ષના અંતિમ દિવસની લોહીયાળ વિદાય થઈ હતી. રાજ્યમાં અકસ્માતની બે મોટી ઘટનાઓ બની હતી. સુરેન્દ્રનગરના સાયલા-પાળીયાદ હાઈવે પર ડમ્પર ચાલક સ્કૂલ વેનને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. અકસ્માતની આ ઘટનામાં 10થી વધુ બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં 6 બાળકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સુરેન્દ્રનગરના સાયલામાં પાળીયાદ હાઈવે પર સ્કૂલ વેનમાં ખાનગી શાળાના બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રેક્ટિસ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન વાંટાવચ્છ ગામના બોર્ડ પાસે ડમ્પર ચાલકે સ્કૂલ વેનને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 10થી વધુ બાળકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા. અકસ્માતની આ ઘટનામાં સ્કૂલવાનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

અમદાવાદના સાણંદ તાલુકાના વિરોચનનગર ગામે મેલડી માતાજીના દર્શન કરીને પાછા ફરી રહેલા ગાંધીનગરના ઝુંડાલ ગામના રબારી પરિવારની કારને અકસ્માત નડ્યો હતો. કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર કેનાલમાં ખાબકી હતી. જેમાં પરિવારના ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હતો અને બે લોકો ઈજાગ્રસ્ત થયા છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++