Gujarat Post Fact Check: દેશમાં હાલમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. અત્યાર સુધીમાં ચાર તબક્કાનું મતદાન થઇ ગયું છે. બાકીના ત્રણ તબક્કાનું મતદાન 20 મેથી 1 જૂન વચ્ચે થશે. બીજી તરફ તમામ પક્ષોના મોટા નેતાઓ પોતપોતાના ઉમેદવારોના સમર્થનમાં ચૂંટણી સભાઓ કરી રહ્યાં છે. દરમિયાન, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વ્યાપકપણે શેર કરવામાં આવી રહ્યો છે જેમાં તેઓ કહેતા જોવા મળી રહ્યાં છે કે નરેન્દ્ર મોદી 4 જૂન, 2024 ના રોજ લોકસભા ચૂંટણી પછી ફરીથી દેશના વડાપ્રધાન બનશે. વીડિયોમાં રાહુલ ગાંધી એમ કહેતા પણ દેખાઈ રહ્યાં છે કે 'ઈન્ડિયા એલાયન્સ'ને ઉત્તર પ્રદેશમાં એક પણ સીટ નથી મળી રહી.
વાયરલ વીડિયોમાં રાહુલ ગાંધી કહી રહ્યાં છે કે, નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન હશે. શરૂઆતમાં, હું તમને કહી દઉં કે સાચું શું છે - 2024, 4 જૂન, નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન હશે.
Gujarat Post Fact Check: આ વીડિયો X (અગાઉ ટ્વિટર), ફેસબુક અને યુટ્યુબ પર મોટી માત્રામાં શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયો પોસ્ટ કરતી વખતે એક ફેસબુક યુઝરે કેપ્શન આપ્યું કે રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીમાં પોતાની હાર સ્વીકારી લીધી છે.
જો કે, આ વીડિયોને એડિટ કરવામાં આવ્યો છે અને મૂળ વીડિયોમાં રાહુલ ગાંધીએ યુપીના કાનપુરમાં એક જાહેર સભાને સંબોધતા કહ્યું હતું કે નરેન્દ્ર મોદી હવે 4 જૂન, 2024ના રોજ ભારતના વડાપ્રધાન રહેશે નહીં. આ વીડિયોને એડિટ કરીને વાયરલ કરવામાં આવ્યો છે, રાહુલ ગાંધી મોદી જ ત્રીજી વખત વડાપ્રધાન બનશે તેમ કહેતા હોવાની વાતમાં કોઈ તથ્ય નથી. આ વીડિયો એડિટ કરેલો અને ખોટો છે, જેથી તમારે તેને શેર કરવો જોઇએ નહીં.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/