દુનિયાના સૌથી અમીર વ્યક્તિ ઇલોન મસ્કે કહ્યું, EVM ને ચૂંટણી પ્રક્રિયામાંથી હટાવી દેવા જોઈએ, રાહુલ ગાંધીએ પણ કહી આ વાત

06:10 PM Jun 16, 2024 | gujaratpost

ભારતીય ચૂંટણી પંચે કહ્યું ઇવીએમ હેક ન થઇ શકે, કોઇ ઓટીપી પણ આવતો જ નથી

ઇલોનના નિવેદનથી ભારતમાં રાજનીતિ તેજ બની

નવી દિલ્હીઃ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે ઈવીએમને લઈને આપણા દેશમાં વિરોધ પક્ષો દ્વારા અનેક વખત પ્રશ્નો ઉઠાવવામાં આવ્યાં છે. ચૂંટણીઓમાં ઇવીએમને હેક કરાતા હોવાના અનેક આરોપ છે, આ બધાની વચ્ચે દુનિયાના સૌથી મોટા અમીર વ્યક્તિ અને ટેસ્લાના સીઇઓ ઇલોન મસ્કે ઇવીએમ પર વાત કરી છે. તેમણે લખ્યું છે કે, ઈવીએમને ચૂંટણી પ્રક્રિયાથી હટાવી દેવા જોઈએ. કારણકે તેને મનુષ્યો અને AI દ્વારા હેક કરવાની શક્યતા છે.

પ્યુર્ટો રિકોમાં તાજેતરની ચૂંટણીઓમાં ઈવીએમના ઉપયોગ અંગે યુએસ નેતા રોબર્ટ એફ. કેનેડી જુનિયરની ચિંતા પર પ્રતિક્રિયા આપીને મસ્કે આ નવો વિવાદ ઊભો કર્યો હતો. ઈલોન મસ્કના દાવા પર ભારતના પૂર્વ કેન્દ્રીય આઇટી મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે ભારતમાં બનેલા ઈવીએમ એક ખાસ પદ્ધતિથી તૈયાર કરવામાં આવ્યાં છે. જે કોઈપણ રીતે કનેક્ટ થઈ શકતું નથી, ન તો બ્લૂટૂથ, વાઈફાઈ, ન ઈન્ટરનેટ.

રાજીવ ચંદ્રશેખરે સુરક્ષિત ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનોને કેવી રીતે યોગ્ય રીતે ડિઝાઈન અને બિલ્ડ કરવા તે અંગેનું ટ્યુટોરીયલ પણ ઓફર કર્યું છે. આ ચર્ચામાં પૂર્વ કેન્દ્રીય મંત્રીએ ઈલોન મસ્કને જવાબ આપતા કહ્યું કે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનને યોગ્ય રીતે ડિઝાઈન અને ઉત્પાદન કરી શકાય છે જેમ કે ભારતે કર્યું છે. આના પર ટ્યુટોરીયલ પ્રદાન કરવામાં અમને વધુ આનંદ થશે. બીજી તરફ ઇવીએમનો સૌથી વધારે વિરોધ કરનારી કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયા હજુ સુધી આવી નથી, કારણ કે આ વખતે મોદી-ભાજપને દેશમાં સ્પષ્ટ બહુમતિ મળી નથી, દેશમાં એનડીએની સરકાર બની છે. અગાઉ દિગ્વિજયસિંહે કહ્યું હતુ કે એનડીએ 400 પાર જશે તો તે ઇવીએમનો કમાલ હશે.

રાહુલ ગાંધીએ કર્યો કટાક્ષ

બીજી તરફ સાંસદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે ભારતમાં EVM એ બ્લેક બોક્સ છે. કોઈને તેની તપાસ કરવાની મંજૂરી નથી. ભારતની ચૂંટણી પ્રક્રિયાની પારદર્શક્તા અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરતા રાહુલે મોદી અને ચૂંટણી પક્ષ પર પ્રહારો કર્યાં હતા. રાહુલે કહ્યું કે સંસ્થાઓમાં જવાબદારીનો અભાવ હોય છે, ત્યારે લોકશાહી ઢોંગી બની જાય છે અને છેતરપિંડીની શક્યતા વધી જાય છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526