ડ્રગ્સ જ ડ્રગ્સ....હવે અંકલેશ્વરમાંથી ઝડપાયું રૂ.5,000 કરોડનું કોકેઇન, પોલીસ પણ ચોંકી ઉઠી

09:17 AM Oct 14, 2024 | gujaratpost

આવકાર કંપનીમાંથી કોકેઇન ઝડપાયું, 5 લોકોની કરાઇ ધરપકડ

બે સપ્તાહમાં 13,000 કરોડથી કિંમતનો નશીલો પદાર્થ જપ્ત કરવામાં આવ્યો

ભરૂચઃ દેશમાં ડ્રગ્સનો વેપાર સતત વધી રહ્યો છે. યુવાનો નશાની લતમાં જીવન બરબાદ કરી રહ્યાં છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા છે. દિલ્હી અને ભોપાલ બાદ હવે ગુજરાતમાંથી ડ્રગ્સના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. અંકલેશ્વરમાં 518 કિલો કોકેઈન ઝડપાયું છે. તેની બજાર કિંમત રૂ. 5,000 કરોડથી વધુ હોવાનું કહેવાય છે.

છેલ્લા બે અઠવાડિયામાં, દિલ્હી અને ગુજરાતમાં એજન્સીઓએ રૂ. 13,000 કરોડની કિંમતનું 1,289 કિલો કોકેન અને 40 કિલો હાઈડ્રોપોનિક થાઈ ગાંજો જપ્ત કર્યો છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને ગુજરાત પોલીસે રવિવારે અંકલેશ્વરમાં એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં સર્ચ દરમિયાન 518 કિલો કોકેઈન જપ્ત કર્યું હતુ, આંતરરાષ્ટ્રીય બજારમાં આ કોકેઈનની કિંમત અંદાજે 5 હજાર કરોડ રૂપિયા છે.

1 ઓક્ટોબરના રોજ, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે દિલ્હીના મહિપાલપુરમાં એક વેરહાઉસ પર દરોડા પાડ્યાં હતા અને 562 કિલો કોકેઈન અને 40 કિલો હાઈડ્રોપોનિક ગાંજાના કન્સાઈનમેન્ટ જપ્ત કર્યા હતા. તપાસ દરમિયાન, 10 ઓક્ટોબરના રોજ, દિલ્હીના રમેશ નગરમાં એક દુકાનમાંથી લગભગ 208 કિલો વધારાનું કોકેન મળી આવ્યું હતું. આ દવા એક કંપનીની હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું, જે અંકલેશ્વરની ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી મેળવ્યું હતું.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526