વેનેઝુએલામાં શુક્રવારે ફરી ધરા ધ્રુજી ઉઠી, મૃત્યુઆંક 900 ને પાર પહોંચ્યો, 50 હજારથી વધુ લોકો ગુમ

09:05 AM Jun 27, 2026 | gujaratpost

કરાકાસઃ વેનેઝુએલામાં થયેલા બે ભૂકંપથી મૃત્યુઆંક 900 ને વટાવી ગયો છે, અને 50,000 થી વધુ લોકો ગુમ છે. શુક્રવારે, વેનેઝુએલાના લોકો અને બચાવ ટીમોએ ફસાયેલા લોકોની શોધખોળ તેજ કરી છે.. ભૂકંપના લગભગ બે દિવસ પછી વિદેશી ટીમો અને સહાય અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચવાનું શરૂ કરી દીધું છે.

બુધવારે સાંજે કરાકાસ અને આસપાસના વિસ્તારોમાં આવેલા ભૂકંપને કારણે થયેલા ભારે વિનાશ બાદ સરકારે અહેવાલ આપ્યો હતો કે 172 લોકો ફસાયેલા છે, 920 લોકોના મોત થયા છે અને 3,360 લોકો ઘાયલ થયા છે. 50,000 થી વધુ લોકો ગુમ થયાના અહેવાલ છે.

શુક્રવારે બપોરે ફરી એકવાર ધરા ધ્રુજી ઉઠી હતી. રાજધાની કરાકાસ અને નજીકના શહેર મારાકેમાં 4.9 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. લા ગુએરા રાજ્ય જેવા સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કામગીરીની ધીમી ગતિને કારણે લોકોમાં નિરાશા વધી રહી છે. ભારે મશીનરીની અછત અને મર્યાદિત સરકારી સહાયને કારણે, સ્થાનિકો અને સ્વયંસેવકો હજુ પણ હાથથી કાટમાળ સાફ કરીને લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

એક પીડિતના જણાવ્યા અનુસાર લા ગુએરા શહેરમાં હ્યુગો ચાવેઝ હાઉસિંગ કોમ્પ્લેક્સ જેમાં આઠ ટાવરનો સમાવેશ થાય છે . તેના કાટમાળ નીચે તેનો 6 વર્ષનો પુત્ર અને પરિવારના પાંચ અન્ય સભ્યો ફસાયેલા છે.

સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ,7.2 અને 7.5 ની તીવ્રતાના બે ભૂકંપથી આશરે $ 6.5 બિલિયનનું સીધું નુકસાન થયું હતું. બીજો ભૂકંપ એક સદીમાં વેનેઝુએલામાં આવેલો સૌથી શક્તિશાળી ભૂકંપ હતો. ઘણી ઇમારતો ખંડેર અને વાંકી ધાતુમાં ફેરવાઇ ગઇ છે. બચાવ ટીમોને સ્થાનો ઓળખવામાં મદદ કરવા માટે કેટલાક ખંડેર પર ઇમારતોના નામ સ્પ્રે-પેઇન્ટ કરવામાં આવ્યા હતા. કારાકાસ અને વેલેન્સિયાથી સ્વયંસેવકોએ મોટરસાયકલ દ્વારા પુરવઠો પહોંચાડ્યો હતો.