Tripple Murder: બિહારમાં કાયદો વ્યવસ્થાની સ્થિતી કથળી, સારણમાં બે યુવતીઓ અને પિતાની હત્યાથી ચકચાર મચી

10:41 AM Jul 17, 2024 | gujaratpost

Bihar Crime News: બિહારમાં કાયદો- વ્યવસ્થાની સ્થિતી કથળી છે, એક પછી એક હત્યાના બનાવો સામે આવી રહ્યાં છે. દરભંગામાં વિકાસશીલ ઇન્સાન પાર્ટીના વડા અને પૂર્વ મંત્રી મુકેશ સાહનીના પિતાની હત્યાના થોડા જ કલાકો પછી હવે ટ્રિપલ મર્ડરનો બનાવ બન્યો છે. ગુનેગારોએ ભોજપુરી સ્ટાર ખેસારી લાલ યાદવના પરિવારના ત્રણ સભ્યોની તેમના ગામમાં હત્યા કરી નાખી છે.

મંગળવારે રાત્રે લગભગ 2 વાગ્યે ગુનેગારોએ પિતા અને તેની બે પુત્રીઓની હત્યા કરી હતી. એટલું જ નહીં ગુનેગારોએ માતાને પણ ગંભીર રીતે ઘાયલ કર્યાં છે. પ્રેમ પ્રકરણમાં આ હત્યા કરાઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. બનાવ બાદ વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. નજીકમાં લોકોની ભીડ હતી. લોકોએ ઘાયલ મહિલાને હોસ્પિટલમાં દાખલ કર્યાં છે.  

આ ઘટના સારણ જિલ્લાના રસુલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ધનાડીહ ગામમાં બની હતી. મામલાને ગંભીરતાથી લેતા પોલીસે આ કેસમાં સંડોવાયેલા બે ગુનેગારોની તાત્કાલિક ધરપકડ કરી છે. તેમજ સ્થળથી દૂર એક કુવામાંથી છરી પણ કબ્જે કરવામાં આવી છે. સારણના પોલીસ અધિક્ષક ડૉ. કુમાર આશિષે જણાવ્યું કે ત્રણ લોકોની હત્યા કરવામાં આવી છે. આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. બંનેને ઝડપી સુનાવણી હેઠળ સજા કરવામાં આવશે.

ઈજાગ્રસ્ત શોભા દેવીએ જણાવ્યું કે રાત્રે લગભગ 2 વાગે બે યુવકો કપડાથી મોઢું બાંધીને પાછળના દરવાજેથી ઘરમાં ઘૂસ્યાં હતા. આ પછી, મારા પતિ તારકેશ્વર સિંહ અને મારી બે દીકરીઓ (15 વર્ષની ચાંદની કુમારી અને 13 વર્ષની આભા કુમારી) જેઓ ટેરેસ પર સૂઈ રહી હતી, તેમની તીક્ષ્ણ છરી વડે હત્યા કરવામાં આવી હતી. ગુનેગારોએ છરીના ઘા મારીને મારી હત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ, તેઓ  પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યાં હતા.

શોભા દેવીના નિવેદન પર, સારણ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે અને રસુલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના હરિજન ટોલાના રહેવાસી સંતોષ કુમાર રામના 22 વર્ષના પુત્ર સુધાંશુ કુમાર ઉર્ફે રોશન અને સુનિલ રામના 25 વર્ષના પુત્ર અંકિત કુમારની ધરપકડ કરી. પોલીસ પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ આ ઘટનામાં પોતાની સંડોવણી કબૂલી હતી. ઉપરાંત બંનેના હાથ પર કોઈ તિક્ષ્ણ હથિયારના ઘા પણ મળી આવ્યાં છે અને લોહીના ડાઘવાળા કપડાં પણ મળી આવ્યાં છે. 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526