+

ધ્રુવરાજસિંહ પર હુમલાનો કેસ: દેવાયત ખવડ સહિતના આરોપીઓને જામીન મળ્યાં

વેરાવળ: ગીર સોમનાથ જિલ્લામાં અમદાવાદના ધ્રુવરાજસિંહ પર જીવલેણ હુમલો કરવાના કેસમાં ઝડપાયેલા લોક સાહિત્યકાર દેવાયત ખવડ અને અન્ય 6 આરોપીઓને કોર્ટે જામીન પર મુક્ત કર્યા હતા. પોલીસે 7 દિવસના રિમા

વેરાવળ: ગીર સોમનાથ જિલ્લામાં અમદાવાદના ધ્રુવરાજસિંહ પર જીવલેણ હુમલો કરવાના કેસમાં ઝડપાયેલા લોક સાહિત્યકાર દેવાયત ખવડ અને અન્ય 6 આરોપીઓને કોર્ટે જામીન પર મુક્ત કર્યા હતા. પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે તે નામંજૂર કર્યાં હતા અને 15000 રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યાં હતા.

મળતી માહિતી મુજબ, ધ્રુવરાજસિંહ પર હુમલો કર્યા બાદ ફરાર થયેલા દેવાયત ખવડ સહિત 7 આરોપીઓને સુરેન્દ્રનગર જિલ્લાના દુધઈ ગામ નજીક આવેલા એક ફાર્મહાઉસમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે આરોપીની સ્કોર્પિયો કાર પણ જપ્ત કરી હતી. ધરપકડ બાદ તમામ આરોપીઓને તાલાલા પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા. બાદમાં તેમને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જ્યાં કોર્ટે રિમાન્ડ નામંજૂર કરી અને તેમને જામીન પર છોડી મૂક્યા હતા.

આ ઘટના ગીર સોમનાથ જિલ્લાના ચિત્રોડ ગામ નજીક બની હતી. આરોપ મુજબ, દેવાયત ખવડ સહિતના શખ્સોએ ધ્રુવરાજસિંહની કારને ટક્કર માર્યા બાદ પાઇપ અને ધોકા વડે કારમાં તોડફોડ કરી હતી, ધ્રુવરાજસિંહને પણ ઢોર માર માર્યો હતો. ડીવાયએસપી વી. આર. ખેંગારના જણાવ્યા મુજબ, આરોપીઓએ આ હુમલો પૂર્વ આયોજિત કાવતરા હેઠળ કર્યો હતો. હુમલા સમયે દેવાયત ખવડની બુકાની ખુલી જતાં ધ્રુવરાજસિંહ તેમને ઓળખી ગયા હતા. જે બાદ ખવડ અને તેના સાથીઓ ફરાર થઈ ગયા હતા અને તેમની કાર બિનવારસી હાલતમાં મળી આવી હતી. પોલીસે ચોક્કસ બાતમીના આધારે દેવાયત ખવડની તેના ફાર્મહાઉસમાંથી ધરપકડ કરી હતી.

facebook twitter