+

કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ જેફરી એપસ્ટિન સાથે જોડ્યું, વિદેશ મંત્રાલયે આરોપ ફગાવી દીધા

નવી દિલ્હીઃ કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ જાતીય ગુનેગાર જેફરી એપસ્ટિન સાથે જોડી દેતા હોબાળો થયો છે. કોંગ્રેસ નેતા પવન ખેરાએ X પર બે પોસ્ટ કરી છે. તેમણે લખ્યું, આ રાષ્ટ્રીય શરમની વાત છે

નવી દિલ્હીઃ કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ જાતીય ગુનેગાર જેફરી એપસ્ટિન સાથે જોડી દેતા હોબાળો થયો છે. કોંગ્રેસ નેતા પવન ખેરાએ X પર બે પોસ્ટ કરી છે. તેમણે લખ્યું, આ રાષ્ટ્રીય શરમની વાત છે. પીએમ જેફરી એપસ્ટિન પાસેથી સલાહ કેમ લઈ રહ્યાં હતા ? પહેલી પોસ્ટમાં, ખેરાએ લખ્યું કે જેફરી એપસ્ટિનને અમેરિકામાં માનવ તસ્કરી, સગીરોના જાતીય શોષણ અને બળાત્કારના દોષિત ઠેરવવામાં આવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સલાહનું પાલન કર્યું. તેમણે અમેરિકન રાષ્ટ્રપતિને ફાયદો પહોંચાડવા માટે ઇઝરાયલમાં ડાન્સ કર્યો. તેઓ થોડા અઠવાડિયા પહેલા મળ્યાં હતા, અને તે કામ કર્યું. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટની લિંક શેર કરતા ખેડાએ લખ્યું કે ભારતીય પીએમ આવા કુખ્યાત વ્યક્તિની આટલી નજીક હોવાને કારણે તેમના નિર્ણયો, પારદર્શિતા અને રાજદ્વારી શિષ્ટાચાર પર ગંભીર પ્રશ્નો ઉભા થાય છે. હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે પીએમનો એપસ્ટિન સાથે સીધો સંબંધ હતો.

વિદેશ મંત્રાલયે એપસ્ટિન ફાઇલ્સમાં લગાવવામાં આવેલા આરોપોને રદિયો આપતા એક નિવેદન બહાર પાડ્યું. સરકારે કહ્યું, એપસ્ટિન એક દોષિત ગુનેગાર છે. તેમના મામલે આવેલા નિવેદનોને ગંભીરતાથી ન લેવા જોઈએ.

ખેરાએ કહ્યું, પીએમએ ત્રણ પ્રશ્નોના જવાબ આપે

એપસ્ટિનની કુખ્યાત યાદી જાહેર થયા પછીથી વિશ્વભરમાં વિવાદ ઉભો થયો છે. એપસ્ટિન અને પીએમ મોદી વચ્ચેનો આ સંબંધ દેશની પ્રતિષ્ઠા અને આંતરરાષ્ટ્રીય છબીને લગતો ગંભીર મુદ્દો છે. તેથી, પ્રધાનમંત્રીએ વ્યક્તિગત રીતે આગળ આવીને તાત્કાલિક અમારા ત્રણ પ્રશ્નોના જવાબ આપે.

તેઓ જેફરી એપસ્ટિનની સલાહ કેમ માંગી રહ્યાં હતા ?

ઇઝરાયેલમાં અમેરિકન રાષ્ટ્રપતિ માટે તેઓ કયા ફાયદા માટે નાચતા અને ગાતા હતા ?

સંદેશમાં લખ્યું છે, IT WORKED!તો કઈ સફળતા મળી ?

ખેરાની બીજી પોસ્ટ

ખેડાએ 24 મે, 2019 ના રોજ ચેટનો સ્ક્રીનશોટ શેર કર્યો. તેમાં લખ્યું છે: 24 મે, 2019 ના રોજ, નરેન્દ્ર મોદીએ બીજી વખત ભારતના વડા પ્રધાન તરીકે શપથ લીધા. થોડા દિવસો પહેલા, જેફરી એપસ્ટિનને સ્ટીવ બેનન (ટ્રમ્પના નજીકના વિશ્વાસુ) ને કહ્યું હતું કે..

એપસ્ટિને મોદી સાથે રસપ્રદ મુલાકાત કરી હતી

મોદીએ તેમને કહ્યું હતું કે વોશિંગ્ટનમાં કોઈ તેમની સાથે વાત કરતું નથી

મોદીએ તેમને કહ્યું કે મુખ્ય દુશ્મન ચીન અને આ ક્ષેત્રમાં તેનો પ્રોક્સી પાકિસ્તાન છે

મોદી સ્ટીવ બેનનના વિઝન સાથે સંપૂર્ણપણે સંમત છે

સ્ટીવ બેનનને મોદીને મળવું જોઈએ, અને એપસ્ટિન તેને સેટ કરી શકે છે.

સરકારે જણાવ્યું હતું કે ઈમેલમાં એક ગુનેગાર દ્વારા બનાવટી માહિતી હતી

વિદેશ મંત્રાલયે પણ એપસ્ટિન ફાઈલ્સ પર એક નિવેદન બહાર પાડ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું હતું કે, અમે એપસ્ટિન ફાઈલ્સ સંબંધિત એક ઈમેલના અહેવાલો જોયા છે, જેમાં વડાપ્રધાનની ઈઝરાયલ મુલાકાતનો ઉલ્લેખ છે. જુલાઈ 2017 માં વડાપ્રધાન મોદીની ઇઝરાયેલ મુલાકાત સત્તાવાર છે, બાકીનો ઇ-મેઇલ એક દોષિત ગુનેગાર દ્વારા બનાવેલ અને બકવાસ છે, અને તેને સંપૂર્ણપણે નકારી કાઢવો જોઈએ.

એપસ્ટિન કેસ શું છે ?

તે 2005 માં શરૂ થયું જ્યારે ફ્લોરિડામાં 14 વર્ષની છોકરીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે તેમની પુત્રીને મસાજના બહાને એપસ્ટિનના વૈભવી ફાર્મ હાઉસમાં લઇ જવાઇ હતી. પરંતુ ત્યાં પહોંચ્યાં પછી તેના પર સેક્સ માટે દબાણ કરવામાં આવ્યું હતું. જ્યારે તે ઘરે પાછી આવી અને તેના માતા પિતાને કહ્યું, ત્યારે તેઓએ તરત જ પોલીસમાં ફરિયાદ કરી હતી.જે જેફરી એપસ્ટિન સામેની પહેલી ફરિયાદ હતી. 

ધીમે ધીમે, લગભગ 50 સગીર છોકરીઓની ઓળખ કરવામાં આવી જેમણે એપસ્ટિન સામે સમાન આરોપો લગાવ્યાં હતા. પામ બીચ પોલીસ વિભાગે આ બાબતને ગંભીરતાથી લીધી અને ઘણા મહિનાઓ સુધી તપાસ કરી, જેના કારણે એપસ્ટિન સામે ગુનાહિત તપાસ શરૂ થઈ હતી.

એપસ્ટિન મેનહટન અને પામ બીચમાં વૈભવી વિલા ધરાવતા હતા, જ્યાં તેમણે ઘણી હસ્તીઓ દ્વારા હાજરી આપતી હાઇ-પ્રોફાઇલ પાર્ટીઓનું આયોજન કર્યું હતું. એપસ્ટિન પોતાના ખાનગી જેટ, લોલિતા એક્સપ્રેસમાં સગીર છોકરીઓને પાર્ટીઓમાં લઈ જતો હતો. તે તેમને ધમકીઓ અને પૈસા અને ઘરેણાંના વચનો આપીને દબાણ કરતો હતો. આ પ્રયાસમાં એપસ્ટિનની ગર્લફ્રેન્ડ અને પાર્ટનર, ઘિસ્લેન મેક્સવેલ મહત્વની ભૂમિકા ભજવી હતી.

જેફરી એપસ્ટિન ન્યૂયોર્કનો કરોડપતિ ફાઇનાન્સર હતો. તેની મિત્રતા અગ્રણી રાજકારણીઓ અને સેલિબ્રિટીઓ સાથે હતી. 2005 માં, તેના પર એક સગીર છોકરી પર જાતીય હુમલો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. 2008 માં, તેને એક સગીર સાથે બળજબરી સેક્સના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો હતો. તેને 13 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી.

એપસ્ટિન સામે દબાણ વધી રહ્યું હતું. 6 જુલાઈ, 2019 ના રોજ, એપસ્ટિનની સેક્સ ટ્રાફિકિંગના આરોપોમાં ન્યૂયોર્કમાં ફરીથી ધરપકડ કરવામાં આવી હતી. 23 જુલાઈના રોજ, તે તેના સેલમાં બેભાન હાલતમાં મળી આવ્યો હતો અને બાદમાં 10 ઓગસ્ટ, 2019 ના રોજ, એપસ્ટિન એ જ ઉચ્ચ સુરક્ષાવાળી જેલમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો, તેની કદાચ હત્યા કરી નાખવામાં આવી હતી.

facebook twitter