રાજકોટ: શહેરમાં ફરી એક વખત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા થયા છે. શહેરના પોશ ગણાતા સ્પીડવેલ પાર્ટી પ્લોટ વિસ્તારમાં એક 40 વર્ષના યુવાનની છરીના અનેક ઘા ઝીંકીને ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે.
સ્પીડવેલ વિસ્તારમાં લોહીલુહાણ હાલતમાં યુવકની લાશ મળી આવી હતી. અજાણ્યા હુમલાખોરોએ યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. લાશની હાલત જોઈને સ્થાનિકોમાં ભય અને આક્રોશનો માહોલ જોવા મળ્યો હતો.
મૃતકની ઉંમર આશરે 40 વર્ષ હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળ પ્રેમ પ્રકરણ હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસ દ્વારા લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
વસીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવી રહ્યાં છે. તેમજ આસપાસના રહેવાસીઓ અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હજુ સુધી આરોપીઓની સત્તાવાર ઓળખ થઈ શકી નથી, પરંતુ પોલીસની અલગ-અલગ ટીમો તપાસમાં જોડાઈ છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હત્યાનું કારણ અંગત અદાવત કે પ્રેમ પ્રકરણ હોઈ શકે છે.