ઓડિશાઃ દેશમાં લાંચ લેવાનું પ્રમાણ વધી રહ્યું છે. જેમાં અનેક સરકારી અધિકારીઓ એસીબી અને સીબીઆઈની ઝપટે ચડ્યાં છે. આ દરમિયાન ઓડિશામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઓડિશા વિજિલન્સે મોટી કાર્યવાહી કરતા 2019 બેચની ઓડિશા સિવિલ સર્વિસ પરીક્ષાના ટોપર અને સંબલપુર જિલ્લાના બામરાના તહસીલદાર અશ્વિની કુમાર પાંડાને લાંચ લેતા ઝડપી લીધા છે.વિજિલન્સ વિભાગ અનુસાર, પાંડાએ એક અરજદાર પાસેથી કૃષિ જમીનને રહેણાંક જમીનમાં બદલવા અને રેકોર્ડ ઓફ રાઈટ (RoR) જારી કરવા માટે પહેલા રૂ. 20,000ની લાંચ માંગી હતી.
જ્યારે અરજદારે રકમ વધુ જણાવી ત્યારે પાંડાએ તે ઘટાડીને રૂ. 15,000 કરી દીધી અને ધમકી આપી કે જો લાંચ નહીં આપવામાં આવે તો તે કેસમાં મંજૂરી આપશે નહીં.જેથી, અરજદારે વિજિલન્સનો સંપર્ક કર્યો હતો અને ત્યાર બાદ ગોઠવાયેલી જાળમાં તહસીલદાર પોતાના ડ્રાઈવર પી. પ્રવીણ કુમાર મારફતે લાંચ લેતા ઝડપાયા હતા.
આ ઘટના બાદ, વિજિલન્સે પાંડાના ભુવનેશ્વર સ્થિત ઘર અને PWD IB આવાસ પર દરોડા પાડ્યાં હતા. તપાસમાં રૂ. 4.73 લાખ રોકડા મળી આવ્યાં છે. ડ્રાઈવરની પણ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. મિકેનિકલ એન્જિનિયરિંગમાં B.Techની ડિગ્રી ધરાવતા પાંડા ડિસેમ્બર 2021માં ટ્રેનિંગ રિઝર્વ ઓફિસર (TRO) તરીકે સરકારી સેવામાં જોડાયા હતા. આ પહેલા તેઓ મયુરભંજ જિલ્લાના શામખુંટામાં તહસીલદાર તરીકે ફરજ બજાવતા હતા.