ચીનના ગ્લોબલ ટાઈમ્સે નરેન્દ્ર મોદીની જીત પર ઓક્યું ઝેર, ભારતીય નિષ્ણાતે આપ્યો જડબાતોડ જવાબ

11:06 AM Jun 06, 2024 | gujaratpost

બેઇજિંગઃ ભારતની લોકસભા ચૂંટણીના પરિણામો પર સમગ્ર વિશ્વની નજર હતી. મંગળવારે જાહેર થયેલા ચૂંટણી પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે ભાજપને પૂર્ણ બહુમતી મળી નથી. બહુમત માટે 272 બેઠકો જરૂરી છે. જ્યારે ભાજપને 240 બેઠકો મળી છે અને તે સૌથી મોટી પાર્ટી છે. જો કે એનડીએ ગઠબંધનને 294 બેઠકો મળી છે, જેનાથી પીએમ મોદી માટે ફરી એકવાર સત્તામાં આવવાનો માર્ગ મોકળો થયો છે. આ ચૂંટણી પરિણામ અંગે ગ્લોબલ ટાઈમ્સના પત્રકારે કહ્યું કે મોદી નબળા થઈ રહ્યાં છે. આવનારા સમયમાં પશ્ચિમી દેશો સાથે ભારતનો તણાવ વધશે. જો કે ભૂતપૂર્વ ભારતીય રાજદ્વારીએ આ વિશ્લેષણને મૂર્ખામીભર્યું ગણાવ્યું હતું.

ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે X પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં પત્રકાર હુ ઝિજિને કહ્યું, ભારતીય પીએમ નરેન્દ્ર મોદી ત્રીજી વખત જીત્યા છે. પરંતુ આ એક રીતે હાર છે. તેમની પાર્ટી ભાજપ સંસદમાં સંપૂર્ણ બહુમતી મેળવવામાં સફળ રહી નથી. જો કે તેમના ગઠબંધનને પૂર્ણ બહુમતી મળી છે. મોદીને સરકાર ચલાવવા માટે નાની પાર્ટીઓ પર નિર્ભર રહેવું પડશે. વિપક્ષને જોરદાર તાકાત મળી છે, જેના કારણે તેઓ ઘણા ખુશ છે. વિપક્ષને મોદીનો રાષ્ટ્રવાદી અભિગમ પસંદ નથી, છતાં અમેરિકા ચીન સામે ભારત પર નિર્ભર છે.

અમેરિકા પાસે કોઈ વિકલ્પ નથી

તેમણે કહ્યું મોદીના મૂલ્યો અને ભારતના હિતો પશ્ચિમ સાથે આંશિક રીતે જોડાયેલા છે. ભારતમાં મોદીનો શક્તિશાળી પ્રભાવ છે, જેના કારણે અમેરિકા પાસે તેમના પર વિશ્વાસ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. એકવાર મોદી નબળા થઈ જાય તો અમેરિકા તેના લાંબા ગાળાના મૂલ્યોનું મૂલ્યાંકન કરી શકે છે. આ ચૂંટણી મોદી માટે મજબૂત બનવાથી નબળા તરફનો વળાંક છે.

ભૂતપૂર્વ રાજદ્વારીએ યોગ્ય જવાબ આપ્યો

ચીનના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સના પત્રકારે કહ્યું કે, ભારતની રાષ્ટ્રવાદી તાકાત મેળ ખાતી ન હોવા છતાં ભારતે પશ્ચિમ સાથે મજબૂત સંબંધ દર્શાવ્યો છે. ભારત પાસે સ્વાયત્તતાની મજબૂત ભાવના છે જે કદાચ વિશ્વમાં સૌથી મજબૂત છે. પશ્ચિમી દેશો સાથે સંઘર્ષ વધવાની સંભાવના છે. ભૂતપૂર્વ રાજદ્વારી કંવલ સિબ્બલે આ વિશ્લેષણનું ખંડન કર્યું હતું. આ મૂર્ખામીભર્યું વિશ્લેષણ છે. આ દર્શાવે છે કે ચીન ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોની મજબૂતીથી નર્વસ છે. ચીન મજબૂત થતાં જ અમેરિકાએ ચીનને પોતાનો મુખ્ય દુશ્મન જાહેર કરી દીધો છે.

તાઇવાન તરફથી અભિનંદન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તાઈવાન તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યાં છે. તાઈવાનના રાષ્ટ્રપતિ લાઈ ચિંગ તેએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચૂંટણીમાં જીત પર મારા હાર્દિક અભિનંદન. અમે ઈન્ડો-પેસિફિકમાં શાંતિ અને સમૃદ્ધિમાં યોગદાન આપતા, ઝડપથી વિકસતી તાઈવાન-ભારત ભાગીદારીને વધારવા માટે વેપાર, ટેક્નોલોજી અને અન્ય ક્ષેત્રોમાં અમારો સહયોગ વિસ્તારવા આતુર છીએ.' પીએમ મોદીએ જવાબમાં લખ્યું તમારા હાર્દિક સંદેશ માટે આભાર લાઈ ચિંગ તે. હું પરસ્પર ફાયદાકારક આર્થિક અને તકનીકી ભાગીદારી તરફ કામ કરતી વખતે નજીકના સંબંધોની આશા રાખું છું.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526