અમદાવાદઃ ગત માર્ચમાં ચાંગોદરમાં એક નાળામાંથી મળેલા યુવકના વિકૃત મૃતદેહનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી. મૃતક યુવક આસામનો વતની મોહિબુલ હતો, જેની હત્યા તેના જ બે મિત્રોએ પૈસાની લાલચમાં કરી હોવાનું બહાર આવ્યું છે. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે, હત્યા કરવા માટેની દોરી તૂટી જતાં આરોપીઓએ મોહિબુલના બૂટની દોરીથી જ તેનું ગળું દબાવીને હત્યા કરી હતી.
ઓળખ છુપાવવા મૃતકના કપડાં ઉતારી મોઢા પર ટી-શર્ટ નાખી આગ લગાવી દીધી હતી. ત્યારબાદ, લાશને ટ્રેન નીચે ફેંકવાનો પ્રયાસ નિષ્ફળ રહેતા મૃતદેહને નાળામાં ફેંકી દેવામાં આવ્યો હતો. 5 મહિના બાદ સીમકાર્ડથી હત્યાનો ભેદ ઉકેલાયો છે. ટેકનિકલ સર્વેલન્સને આધારે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
16 માર્ચના દિવસે રેલવે ટ્રેક નજીક નાળામાંથી વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહની ઓળખ કરવી મુશ્કેલ હતી. જેથી પોલીસે મિસિંગ ફરિયાદો તપાસ કરવાનું શરૂ કર્યુ. પોલીસે મિસિંગ ફરિયાદ ચેક કરતા આસામના મોહિબુલ નામના યુવકની આ લાશ હોવાનું જાણવા મળ્યું હતુ.તેના ગળાના ભાગે ઈજાના નિશાન જોવા મળતાં હત્યા કરાઇ હોવાની આશંકા પ્રબળ બની હતી અને મોહિબુલનું સિમકાર્ડ એક્ટિવ હોવાનું સામે આવ્યું હતું. પોલીસ મોહિબુલનો નંબર ટ્રેસ કરીને બે યુવકોની અટકાયત કરી હતી, જેમણે હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.