અમદાવાદઃ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં સવારથી ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. ગેરકાયદેસર બાંધકામો તોડવાની 50 ટકા પૂર્ણ થઈ ગઈ છે. આ મામલે સ્ટે આપવાનો હાઇકોર્ટે ઇન્કાર કર્યો છે. હવે આ મામલે અમદાવાદ સી.પી.ઓફિસ ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં હાઇલેવલ બેઠક યોજાઈ હતી. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્ય પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
ડિમોલિશનની શરૂઆત મહેમુદ પઠાણ ઉર્ફે લલ્લા બિહારીના ફાર્મથી કરવામાં આવી હતી. દબાણ માફિયા લલ્લા બિહારીના ફાર્મ હાઉસ પર એએમસીની ટીમ અને અમદાવાદ ક્રાઈમબ્રાંચની ટીમ પહોંચી હતી. લલ્લા બિહારીએ 2000 વારમાં ગેરકાયદેસર રિસોર્ટ બનાવ્યો હતો. તળાવમાં બનાવેલા રિસોર્ટમાં સ્વિમિંગ પુલ અને પાર્ટીઓ માટેની જગ્યા પણ બનાવવામા આવી હતી. રિસોર્ટમાં સ્વિમિંગ પુલ, ગાર્ડન, અને ફુંવારા જોવા મળ્યાં હતા. લલ્લા બિહારીએ અનેક ગેરકાયદે બાંગ્લાદેશીઓને આશરો આપ્યો હતો. ઓપરેશન શરૂ થાય તે પહેલા જ લલ્લુ બિહારી ભાગી છૂટ્યો હતો. પોલીસે રિસોર્ટમાંથી શંકાસ્પદ બાંગ્લાદેશીઓના ડોક્યુમેન્ટ જપ્ત કર્યા હતા. લલ્લા બિહારી સીએએના વિરોધ પ્રદર્શનમાં પોલીસ પર હુમલાનો આરોપી છે. તે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને આશરો આપતો હતો. એક વ્યકિત દીઠ મહેમુદ પઠાણ 10થી 15 હજાર વસૂલતો હતો.
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે અગત્યની બેઠક યોજી અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં હાથ ધરાયેલ કામગીરીની સમીક્ષા કરી... pic.twitter.com/6GiUAtNyFj
— Gujarat Information (@InfoGujarat) April 29, 2025
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મંગળવાર તા. 29ના રોજ અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે એક અગત્યની બેઠક યોજી, અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં હાથ ધરાયેલી કામગીરીની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રીના અધિક મુખ્યસચિવ અને ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવ એમ.કે. દાસ, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની તથા અમદાવાદ કલેક્ટર સુજિત કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
