વડોદરાઃ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે, અસામાજિક તત્વો બેફામ બન્યા છે, વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં મોડી રાત્રે એક યુવાનની ક્રૂર હત્યા કરાયેલી લાશ મળી આવી છે.
કારમાંથી લોહીથી લથપથ લાશ મળી આવી
વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા જાંબુબેટમાં રામ વે પ્લાઝા ગલીમાં એક શંકાસ્પદ કાર પાર્ક કરવામાં આવી હતી. મોડી રાત્રે કારની અંદર એક પુરુષની લોહીથી લથપથ લાશ મળી આવી હતી. સ્થાનિક લોકોએ લાશ જોયા બાદ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતકનું નામ બાબુસિંહ લાલસિંહ ચૌહાણ હોવાનું જાણવા મળ્યું છે, જે કેટરિંગમાં કામ કરતા હતા. એવી શંકા છે કે કોઈ અજાણ્યા લોકોએ તીક્ષ્ણ હથિયારથી તેમની ક્રૂરતાથી હત્યા કરી હતી.
પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી
આ ક્રૂર હત્યાના સમાચાર ફેલાતાં જ મોટી પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, રાવપુરા પોલીસ સ્ટેશન, ક્રાઈમ બ્રાન્ચ અને એલસીબીના સ્ટાફ સહિત વરિષ્ઠ અધિકારીઓની ટીમો થોડીવારમાં જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે તાત્કાલિક આસપાસના વિસ્તારને ઘેરી લીધો હતો. એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદથી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં
આ ઘટના વ્યક્તિગત અદાવત હતી, પૈસાની લેવડદેવડ હતી કે કોઈ અન્ય કારણ હતું તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસના જણાવ્યાં અનુસાર, હત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. રાવપુરા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે વિસ્તારમાંથી સીસીટીવી ફૂટેજ મેળવવાનું શરૂ કર્યું છે અને શંકાસ્પદોની પૂછપરછ કરી રહ્યાં છે.