પીએમ મોદીની હાજરીમાં આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુએ લીધા CM પદના શપથ, ઓડિશામાં પ્રથમ વખત ભાજપ સરકાર- Gujarat Post

01:44 PM Jun 12, 2024 | gujaratpost

(શપથ સમારોહમાં આવેલા પ્રશંસકે હાથ પર ચંદ્રબાબુ નાયડુનું ટેટુ કરાવ્યું – Image courtesy ANI)

સાઉથની ફિલ્મોના સ્ટાર પવન કલ્યાણ આંધ્ર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બન્યાં

નવી દિલ્હીઃ આજે આંધ્રપ્રદેશ અને ઓડિશાના મુખ્યમંત્રીની શપથવિધિ યોજાઇ છે. જેમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના વડા એન ચંદ્રબાબુ નાયડુએ શપથ લીધા હતા, ઓડિશાના મુખ્યમંત્રી તરીકે મોહન ચરણ માઝીનો શપથ ગ્રહણ સમારોહ છે. ઓડિશાની વાત કરવામાં આવે તો 11મી જૂને યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં માઝીના નામની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ રાજનાથ સિંહ અને ભૂપેન્દ્ર યાદવને ઓડિશામાં ધારાસભ્ય દળના નેતાની ચૂંટણી માટે કેન્દ્રીય નિરીક્ષકો તરીકે નિયુક્ત કર્યાં હતા.

સીએમ તરીકે ચૂંટાયા બાદ માઝીએ કહ્યું કે તેઓ મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ ભગવાન જગન્નાથના દર્શન માટે પુરી જશે. મોહન ચરણ માઝી ઓડિશાની કેંઝોર વિધાનસભા સીટ પરથી ચૂંટાયા હતા. તેમણે આ બેઠક પરથી બીજેડીના મીના માઝીને હરાવ્યાં હતા. મોહન માઝીને 87,815 વોટ મળ્યાં હતા, જ્યારે મીના માંઝીને 76,238 વોટ મળ્યાં હતા. મોહન માંઝીની 11,577 મતથી જીત થઈ હતી. ઓડિશામાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં, ભાજપે બહુમતનો જાદુઈ આંકડો હાંસલ કર્યો અને નવીન પટનાયકના બીજુ જનતા દળને સત્તા પરથી હટાવી દીધી હતી. નવીન પટનાયક વર્ષ 2000 થી 2024 સુધી સતત રાજ્યના મુખ્યમંત્રી રહ્યાં. તેઓ આ પદ પર 24 વર્ષ અને 98 દિવસ સુધી રહ્યાં હતા.

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે ચંદ્રબાબુ નાયડુ ચોથી વખત શપથ લીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં હાજરી આપી હતી.આંધ્રપ્રદેશ વિધાનસભામાં 175 બેઠકો છે. આ મુજબ કેબિનેટમાં સીએમ સહિત 26 મંત્રીઓ હોઈ શકે છે. નાયડુ 28 વર્ષની વયે પ્રથમ વખત ધારાસભ્ય બન્યાં હતા. તેઓ 30 વર્ષની વયે મંત્રી બન્યા હતા. તેઓ 45 વર્ષની વયે પ્રથમ વખત અને હવે 74 વર્ષની વયે ચોથી વખત સીએમ બન્યાં છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526